નખત્રાણા, તા. 7 : કચ્છની કોમી એકતાનું પ્રતીક
ગણાતા હાજીપીરના પવિત્ર ઉર્સ-મેળાનું આયોજન આગામી તા. 11, 12 અને 13 એપ્રિલ (શનિવાર, રવિવાર અને સોમવાર) દરમિયાન થશે. દર વર્ષે લાખો
શ્રદ્ધાળુઓ આ મેળામાં હાજરી આપે છે, ત્યારે આ વર્ષે પણ વિશાળ
સંખ્યામાં ભક્તજનો ઊમટી પડવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓ દેશભરમાંથી પગપાળા તેમજ ખાનગી
વાહનો મારફતે હાજીપીર દરગાહે પહોંચી પોતાની મન્નતો પૂર્ણ કરે છે. મેળામાં ચગડોળ રાઈડ,
વિવિધ ઝૂલા, ખાણી-પીણીના સ્ટોલ, કટલરી, રમકડાં અને ઠંડાં- પીણાંની દુકાનો સાથે મેળો રંગીન
બની રહે છે. લુણા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે અંદાજે 200થી 250 જેટલા સ્ટોલ માટે પ્લોટ ફાળવવામાં
આવે છે. મેળાને ધ્યાનમાં રાખીને કચ્છ એસ.ટી.
વિભાગ દ્વારા 71 બસની ફાળવણી કરવામાં આવી છે.
હાજીપીર બસ સ્ટોપ પરથી વિવિધ સ્થળોએ જવા માટે આ બસો શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પાડશે.
30 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં
આવી છે. શુક્રવારથી બસોની અવરજવર શરૂ થશે અને સોમવાર બપોર સુધી યથાવત્ રહેશે, તેમ એ.ટી.આઇ. સામજીભાઈએ જણાવ્યું હતું. શ્રદ્ધાળુઓને
પીવાનાં પાણી માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાક સતત પાણી સપ્લાય કરવામાં
આવશે. હાજીપીર ખાતે આવેલા મોટા ટાંકા ભરવામાં આવશે. હાજીપીર સ્કૂલ નજીક દર વર્ષની જેમ
વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત
ગોઠવાશે. પી.એસ.આઈ. વી.ડી. ગોહિલે જણાવ્યું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. વીજ પુરવઠા માટે પીજીવીસીએલ દ્વારા મેળા વિસ્તારમાં
બે ડીપી તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી વીજ પુરવઠો સતત જળવાઈ
રહે, તેવું રવાપર ડિવિઝનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું. હાજીપીર રોડ પર કામ ચાલી રહ્યું હોવાથી શ્રદ્ધાળુઓને
વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.