• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ-આદિપુરમાં 144 જર્જરિત ઈમારતોને નોટિસ

ગાંધીધામ, તા. 19 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં અસંખ્ય ઈમારતો જર્જરિત અવસ્થામાં છે. ઘણી ઇમારતો તો ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે, તે વચ્ચે 144 જર્જરિત ઇમારતને નોટિસ આપીને ઇમારતની મરંમત કરાવો અથવા તો તેને તોડી પાડો તેવું કહેવામાં આવ્યું છે, જો સમય મર્યાદાની અંદર જર્જરિત ઇમારત સંદર્ભે સંબંધીતો દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો કોર્પોરેશન અને તે સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં અસંખ્ય બિલ્ડિંગ અવસ્થામાં છે. ભૂતકાળમાં અનેક જર્જરિત બિલ્ડિંગોની બાલ્કનીઓ તૂટી છે. આદિપુરમાં એક બાળકીનું મૃત્યુ પણ થયું હતું. મહાનગરપાલિકાની કચેરીની બાજુમાં આવેલી ઈમારતનો બહારનો ભાગ તૂટયો હતો. આ ઉપરાંત જોડિયા શહેરોના અનેક વિસ્તારોમાં ઇમારતોમાંથી બાલ્કની વગેરે તૂટયાં છે. ઈમારતમાં રહેતા લોકો તેમજ વાણિજ્ય હેતુની ઈમારતોમાં વ્યવસાય કરતા વેપારીઓ ઉપર પણ જોખમ છે. આ ઉપરાંત આ ઇમારતો આસપાસના લોકો માટે પણ ભયજનક છે જોખમી છે. અત્યાર સુધી તત્કાલીન સમયની નગરપાલિકા અને ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી વચ્ચે બિલ્ડિંગો સામે કાર્યવાહી કોણ કરશે તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી હવે ખુદ વહીવટી તંત્ર આ જવાબદારી લઈ રહ્યું છે. અગાઉ અનેક વખત નોટિસ અપાઇ છે, તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. અમુક ઇમારતો બિલ્ડિંગધારકોએ સહમતીથી સ્વેચ્છાએ તોડી પાડી છે. આદિપુરમાં સ્કૂલની બાજુમાં જર્જરિત ઇમારત હતી અનેક વખત નોટિસ આપ્યા બાદ પોલીસની મદદ પણ લેવાઈ હતી, ત્યાર પછી ત્યાં કાર્યવાહી થઈ હતી, પરંતુ હાલના સમયે અસંખ્ય ઈમારતો જર્જરિત અવસ્થામાં છે, તે પૈકી આદિપુરમાં 76 ઇમારતને અને ગાંધીધામમાં 68 ઇમારતને નોટિસો આપવામાં આવી છે. આદિપુરમાં  નોટિસ આપવા સહિતની જવાબદારી નગર નિયોજક નીરજ પટેલને સોંપવામાં આવી છે, જ્યારે ગાંધીધામમાં નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવાની જવાબદારી સિટી ઇજનેર પ્રવીણ  મારવાડાને સોંપવામાં આવી છે. રાપરમાં જે ઘટના ઘટી ત્યાર પછી ગાંધીધામમાં જર્જરિત ઈમારતો ઉપર કાર્યવાહી કરવી આવશ્યક છે. હાલના સમય તો વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી ક્યારે થશે તે પ્રશ્ન હજુ યથાવત્ છે. 

Panchang

dd