રાપર, તા. 19 : શહેરમાં બસ સ્ટેશન પાસે ધમધમતા
માર્ગ પર સવારના અરસામાં જર્જરિત ઈમારતની લોખંડની રેલિંગ સહિત બાલ્કનીનો કાટમાળ ધડાકાભેર
તૂટી પડયો હતો. સદનસીબે ઈમારત નીચે કોઈ ઊભા
ન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનો દબાઈ ગયાં હતાં. વાગડ ફોલ્ટ લાઈનમાં આવતા ભૂકંપના આવતા આંચકાઓ વચ્ચે આ ઘટનાના પગલે રાપરમાં
જર્જરિત ઈમારતો તેમજ નિયમ વિના આડેધડ થતા બાંધકામોનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે. - 10 વાહન દટાયા : તંત્રવાહકો
ધસી ગયા : ભૂકંપ પહેલાં નિર્માણ પામેલી જર્જરિત એવી
આંખની હોસ્પિટલનાં આ બિલ્ડિંગનો આગલો ભાગ ધસી પડતાં નીચે દશેક મોટરસાઈકલ દબાઈ ગઈ હતી.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, મુખ્ય અધિકારી તરુણદાન ગઢવી, પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. નીચે મીઠાઈની,
દવાની અને ઈલેક્ટ્રોનિક, એગ્રોની અનેક દુકાનો અને
સદાય લોકોની અવરજવરથી ધમધમતા માર્ગે સદનસીબે આ દુર્ઘટના બની ત્યારે નીચે કોઈ ન હોવાથી
મોટી જાનહાનિ ટળી હતી. નગરપાલિકાએ તાત્કાલિક અસરથી જોખમી કાટમાળ હટાવ્યો હતો. - અનેક જર્જરિત ઈમારતો પડવાના
વાંકે ઊભી : ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ રાપરમાં જર્જરિત હાલતમાં કેટલીય ઈમારતો
પડવાને વાંકે ઊભી છે. ત્રણેક ઈમારત તો કચ્છમિત્ર દ્વારા અહેવાલ આવ્યા બાદ નગરપાલિકા
દ્વારા તોડી પાડવામાં આવી હતી. હજી પણ આવાં અનેક મકાનો જોખમી રીતે ઊભાં છે,
ત્યારે આ મકાનોનું સ્ટ્રક્ચર ટેસ્ટ કરાવી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે
તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત બિલ્ડિંગની
નીચે સુધરાઈ પ્રમુખ ચાંદ ઠક્કરની પણ એક દુકાન આવેલી છે - જર્જરિત ઈમારત પ્રત્યે ઉદાસીનતા : ભૂકંપ પહેલાં
બનેલાં આ ત્રણ માળનાં બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેમાં આંખની
હોસ્પિટલ ધમધમતી હતી, ત્યારે આવાં
ખખડધજ બિલ્ડિંગો પ્રત્યે સુધરાઈ અને રાપર વિસ્તાર વિકાસ સત્તા મંડળ `રાડા'
દ્વારા કરવામાં આવતા આંખ આડા કાન ક્યારેક મોટી આફત નોતરશે એવું આવી અવારનવાર
સર્જાતી દુર્ઘટનાઓ સર્જાતાં લોકો જણાવી રહ્યા છે. કેટલાં બાંધકામોની પરવાનગી ? ભૂકંપ બાદ અનેક નવાં બાંધકામો થયાં અને થઈ
રહ્યાં છે ત્યારે કેટલા બાંધકામમાં રાડાની પરવાનગી લેવામાં આવે છે? કેટલાં બાંધકામ ભૂકંપને અનુરૂપ છે એવો પ્રશ્ન જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
રાડાની અક્ષમ્ય ઉદાસીનતા અકળાવી રહી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે
તંત્રે જાગવું જરૂરી નહીં, અનિવાર્ય છે. રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ
અશોકભાઈ રાઠોડે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી નગરપાલિકાની લાપરવાહી સામે પ્રશ્નાર્થ
ઉઠાવ્યો હતો. - રામ રાખે એને કોણ ચાખે
: રાપર,
તા. 19 : આજે સવારે
જ્યાં આ દુર્ઘટના ઘટી તેની બરાબર નીચે જ મીઠાઈ ફરસાણની દુકાન છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કરના પિતરાઈ ભાઈ મીત
ઠક્કર કાયમ તે આ છજ્જા નીચે જ ખુરશી પર બેસતા હોય છે, પરંતુ આજે જ હિસાબ કિતાબ કરતા હોવાથી દુકાનની
અંદરના ભાગમાં બેઠા હતા, જેથી આબાદ બચાવ થયો હોવાનું શૈલેષભાઈ
ભીંડેએ જણાવ્યું હતું. - જર્જરિત ઈમારતો તરફ હવે તો ધ્યાન આપો... : ભુજ, તા. 19 : આજે પૂર્વ કચ્છના વાગડના મુખ્ય શહેર રાપરની એસ.ટી. બસ સ્ટેશન
વિસ્તારમાં આવેલી બે મજલાની ઈમારતના બીજા માળના રેલિંગ તથા પેરાફિટની દીવાલ ધસીને જાહેર
માર્ગ પર પડી સદ્ભાગ્યે વાહનોને નુકસાન સિવાય અન્ય જાનહાનિ ન થઈ, પરંતુ આ ઘટનાથી ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલી
ઈમારતો અને તેને પરિણામે ઝળૂંબી રહેલાં જોખમનો વર્ષો જૂનો પેચીદો પ્રશ્ન પુન: સપાટી
પર આવ્યો છે. રાપરમાં ધસી પડેલી રેલિંગવાળી ઈમારત ભૂકંપ પહેલાં નિર્માણ પામેલી હતી
અને તે ક્ષતિગ્રસ્ત પણ હતી. આ ઘટનાએ ક્ષતિગ્રસ્ત અને ઝળૂંબતી મોત સમાન ઈમારતોને ઉતારી
લેવી કે તોડી પાડવા અંગે જિલ્લાનું વહીવટી તંત્ર સવેળા જાગૃત બને એ જરૂરી હોવાનું જાગૃતોએ
પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. - અઢી દાયકા થયા પણ... : ભૂકંપને અઢી દાયકા વિત્યા પછી એ ભયજનક પળની યાદ અપાવતી અનેક
બહુમાળી ઈમારતો, ઐતિહાસિક ભવનો આજે પણ લોકો
પર જોખમ બની ઊભી રહી છે. જિલ્લાના પાટનગર ભુજ ઉપરાંત ભૂકંપમાં વિશેષ અસરગ્રસ્ત બનેલા
અંજાર, ભચાઉ, રાપર નગરોમાં આવી અનેક ઈમારતો
ઊભી છે. આમ છતાં અઢી દાયકે પણ તંત્ર દ્વારા આ ઈમારતોને ઉતારી પાડવા કે તોડી પાડવા સંબંધી
કાર્યવાહી કરાઈ નથી. તંત્ર હજુ કોઈ ગંભીર ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું જાગૃત
નાગરિકોને લાગી રહ્યું છે. - 90 ઈમારત જોખમી : ધરતીકંપ પછી 2019માં 300થી વધારે
જર્જરિત ઈમારતો જુદી તારવાઈ હતી, એ પૈકી
90 જેવી ઈમારત વધારે જોખમી દર્શાવાઈ
હતી, એ પૈકી કેટલીક ઈમારતોનો કેટલોક હિસ્સો અવાર-નવાર
ધસે પણ છે. શહેરના જેષ્ઠાનગરમાં આવી ઈમારત ધસી પણ હતી, તો ભાનુશાલીનગરમાં
કર્મભૂમિ એપાર્ટમેન્ટની જર્જરિત છત તૂટી પડતાં એક વ્યક્તિનો ભોગ પણ લેવાયો હતો. - ઐતિહાસિક સ્મારકોય જર્જરિત
: શહેરના ઐતિહાસિક સ્મારકોમાં પણ જૂની કોર્ટનું
ભવન જર્જરિત હાલતમાં છે, તેને મરંમત કરી સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન
બનાવવાની વાત માત્ર કાગળ પર રહી છે, તો જમાદાર ફતેહમહમદનો ખોરડો,
જ્યુબિલી હોસ્પિટલની ઈમારત પણ જોખમી રીતે ઊભી છે. - ફક્ત જાહેરનામાં જ થયા : ભુજ શહેરમાં અનેક જોખમી ઈમારતોમાં મોતના
ભયના ઓથાર વચ્ચે લોકો મજબૂરીવશ રહી પણ રહ્યા છે. નવાઈ તો એ વાતની છે કે, આવી જર્જરિત બહુમાળી ઈમારતો તોડી પાડવા તંત્ર
દ્વારા 14-14 વખત જાહેરનામા બહાર પાડવામાં
આવ્યા હોવા છતાં આ દિશામાં કોઈ નક્કર પગલું ભરાતું હોય કે આ અંગે કોઈ કાર્યવાહી હાથ
ધરાઈ હોય એવું જણાતું નથી. - ભાડા કે નગરપાલિકા ? : વહીવટી તંત્ર અને ભાડા આ કામગીરીની જવાબદારી
નગરપાલિકાની છે, એવું જણાવી આ માટે ખાસ
ભંડોળ પાલિકા તંત્રને આપશે એવી હૈયાધારણ પણ વિસરાઈ ગઈ હોય એવું જણાય છે. તંત્ર હજુ
રાપરથી વધારે જોખમી ઘટના બને તેની રાહમાં હવે ન રહે અને જોખમી ઈમારતો વહેલી તકે ઉતારવા
કાર્યવાહી કરે એવી જિલ્લાના નાગરિકો આશા સેવી રહ્યા છે. વિવિધ પદાધિકારીઓ પણ રાપરની
ઘટના પછી આ પેચીદા પ્રશ્ને રસ દાખવે અને નાગરિકો પર ઝળૂંબતી જોખમી ઘટનાઓ બને એ પહેલાં
તંત્રનો કાન આમળે એ જરૂરી છે.