• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોરના ધીમી ગતિએ ચાલતાં કામે સર્જી કમઠાણ

કોટડા (ચ.), તા. 4 : ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોર રોડનું કામ હાલ પ્રગતિમાં છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કચ્છના આર્થિક કેન્દ્રો વચ્ચે ઝડપી અને સુલભ જોડાણ વધારવાનો છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 75.14 કિલોમીટર  છે, જ્યારે અંદાજિત ખર્ચ રૂા. 576 કરોડ જેટલો થવાનો છે. બીજી તરફ, રોડનું કામ ચાલુ હોવાના કારણે શેખપીર ચોકડી વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક બની છે. 24 કલાક ધમધમતા આ વિસ્તારમાં અપૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ અને કામની ગોકળગતિના કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે તેમજ અકસ્માતોની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે. આ ચોકડી હાલ એક પ્રકારે અકસ્માત ઝોન બની ગઈ છે.  ગડા પાટિયાથી શેખપીર ચોકડી સુધીનો પૂર્વે રહેલો સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે રોડની બંને સાઈડ આવેલ રહેણાક કોલોનીઓ, ખાનગી એકમો, પેટ્રોલ પંપો તથા દુકાનો સુધી પહોંચવા માટે નાના વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર આવેલ પાણીના નાળાંઓ માટીના ઢગથી બંધ કરવામાં આવ્યા હોવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે, જે આવનારા ચોમાસાંમાં આસપાસના વિસ્તારોમાં પાણી  ભરાવાની સમસ્યા ઊભી કરી શકે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રોડનું નવનિર્માણ જરૂરી અને વિકાસલક્ષી છે, પરંતુ તે સાથે જનસામાન્યને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવે, સર્વિસ રોડ અને નાળાંની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય તે અત્યંત આવશ્યક છે. 

Panchang

dd