• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભારતીય આર્મીએ હાથ ધર્યું નેત્રરક્ષાનું મહાઅભિયાન

ભુજ, તા. 4 : ભારતીય સેનાના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે ભુજની લશ્કરી હોસ્પિટલ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. અંતરિયાળ કચ્છના સરહદી વિસ્તારના 2500 લોકોએ આ ત્રિદિવસીય કેમ્પનો લાભ લીધો હતો. સધર્ન કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભુજ  લશ્કરી હોસ્પિટલ ખાતે ચાલતા આ કેમ્પની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. નવી દિલ્હીની આર્મી હોસ્પિટલના નેત્રરોગ ચિકિત્સકો અને તબીબી સ્ટાફની એક  ઉચ્ચસ્તરીય ટીમના સહયોગથી આયોજિત નેત્રરોગ નિદાન કેમ્પમાં તબીબી ટીમનું નેતૃત્વ બ્રિગેડિયર સંજીવકુમાર મિશ્રાએ સંભાળ્યું હતું. શ્રી મીશ્રા રાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત લશ્કરી સર્જન છે. તેમણે એક લાખથી વધુ સફળ સર્જિકલ પ્રક્રિયા હાથ ધરી છે. આ કેમ્પનો શહીદ પરિવારના સભ્યો, આશ્રિતોની સાથે સ્થાનિક સમુદાયના લોકોએ લાભ લીધો હતો. કેમ્પનો લાભ લેનાર દરદીઓનું સમયસર ક્રીનિંગ કરી સમયસરની આંખને લગતી સારવાર આપવામાં આવી હતી.  ભારતીય આર્મી દ્વારા સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સુવિધા પૂરી પાડવા સાથે ડાયગ્નોસ્ટિક અને સર્જિકલ સારવાની ડોરસ્ટેપ સુવિધા આપવામાં આવી રહી છે. આરોગ્યની અપૂરતી સુવિધાઓ વચ્ચે આર્મી દ્વારા આ પડકારજનક કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું હતું. 

Panchang

dd