મુંદરા, તા. 4 : મુંદરામાં મહિલા સશક્તિકરણનાં
નવાં સોપાન સમી 15 દિવસીય સ્વરક્ષણ
અને રાઈફલ શાટિંગ તાલીમ શિબિરનું સમાપન થયું હતું. મુંદરા તા.ની દીકરીઓ અને મહિલાઓમાં
આત્મરક્ષણ, નિર્ભયતા, આત્મવિશ્વાસના ગુણો વિકસે તે હેતુથી યશ ફાઉન્ડેશન, ધ્રબ
અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ, મુંદરા દ્વારા આયોજિત પશ્ચિમ
કચ્છ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ અને એન. એમ. સ્પોર્ટ્સ એજન્સીના સહયોગથી
યોજાયેલા આ તાલીમ અભિયાનમાં 500થી વધુ વિદ્યાર્થિની અને 110 જેટલી મહિલા તાલીમબદ્ધ બની હતી અને તેમને માન્ય સર્ટિફિકેટ એનાયત
કરાયાં હતાં. આ તાલીમમાં સ્વરક્ષણ સાથે રાઈફલ શાટિંગ જેવાં કૌશલ્યો શિખવાયાં હતાં.
નિષ્ણાત કોચ સુરતના જાણીતા જૂડો પ્લેયર અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ
તેમજ નિર્મલા મહેશ્વરીએ બહેનોને શારીરિક અને માનસિક રીતે સજ્જતાની તાલીમ આપી હતી. આ
કોચ સાથે સોલંકી સતિષભાઈ દ્વારા પણ મુંદરાની વિવિધ જગ્યાઓ, ઈદગાહ વાડી, કન્યાશાળા,
આગાખાન સ્કૂલ અને ગેલડા પંચાયતી પ્રાથમિક શાળા, મહેશનગર પ્રાથમિક શાળામાં 500થી વધુ વિદ્યાર્થિનીઓને તાલીમ અપાઈ હતી. વિશેષ રૂપે, હઝરત ઉમરશાહ બાવાવાડી (નદીવાળા નાકા) ખાતે તમામ
સમુદાયની 80થી વધુ મહિલા
માટે અલગથી 15 કલાકથી વધુની તાલીમનું આયોજન
કરાયું હતું. પશ્ચિમ કચ્છ એસ. પી. વિકાસ સુંડા
અને મુંદરા પી.આઈ. એસ. એમ. રાણાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા સમાપન સમારોહ પ્રસંગ માટે
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતે દીકરીઓને તાલીમ
માટે વાડીમાં સહયોગ આપ્યો હતો. શ્રી જતે જણાવ્યું કે, મહિલાઓ શારીરિક અને માનસિક સક્ષમ બને તે સમયની
માંગ છે. યશ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુલતાનભાઈ તુર્કે કહ્યું કે, અત્યાર સુધીમાં પશ્ચિમ કચ્છમાં 12000 દીકરી અને મહિલાઓને આ પ્રકારની તાલીમ અપાઈ ચુકી છે. તેમણે કટિબદ્ધતા
વ્યક્ત કરી કે, આગામી સમયમાં પણ મુંદરા
તાલુકાની તમામ દીકરીઓ માટે આવા તાલીમ કાર્યક્રમ અને મહિલા ઉત્કર્ષ અને સુરક્ષા માટેના
કાર્યક્રમો સતત આયોજિત કરતા રહેશું. સમારોહમાં ઉપસ્થિત પી.એસ.આઈ. શ્રી ડામોર અને જ્યોતિબેન
જોષીએ હ્યું કે, મહિલાઓને આવી તાલીમ લેવી જોઈએ, પોલીસ સાથે જ છે. દરેક મહિલા સશક્ત જ છે, તેને તાકાત
ઉજાગર કરવાની જરૂર છે. એન. એમ. સ્પોર્ટ્સ એજન્સીના નિર્મલા મહેશ્વરીએ કહ્યું કે,
મુંદરાનું આયોજન અને યશ ફાઉન્ડેશનનો સહકાર દાખલારૂપ રહ્યો હતો. આવી તાલીમ
કચ્છના દરેક તાલુકામાં નિયમિત અને કાયમી ગોઠવાય એ જરૂરી છે. તાલીમ લેનારી 110 મહિલા અને વિદ્યાર્થિનીઓને
આ તમામ અને મંચસ્થ મહાનુભાવો તથા ટ્રેઈનર બહેનો તેમજ શિક્ષણગણ સાથે તમામ ટ્રસ્ટીઓના
હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંચાલન શિરાઝ મલેકે કર્યું હતું.