મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 4 : આ શહેર, સંકુલ અને મહાનગરપાલિકા હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં
ભૂગર્ભજળ ઊલેચવાનો ધંધો ભૂકંપ બાદ ફૂલ્યોફાલ્યો છે. બેફામ, બેરોકટોક
અનેક લોકો ભૂજળ ઉલેચીને સોસાયટીઓમાં તેમજ આસપાસ આવેલી ખાનગી કંપનીઓમાં પાણી પૂરું પાડી
રહ્યા છે. એકબાજુ સરકાર ભૂજળનું પ્રમાણ ઊંચું લાવવા, બોર,
કૂવા રિચાર્જ કરવા સહિતના પ્રયત્નો કરે છે. બીજીબાજુ આવી રીતે ધરતીમાંથી
પાણી ખેંચી લેવાતા અનેક પ્રશ્નો ખડા થયા છે.
ગાંધીધામ શહેર, સંકુલમાં મહાનગરપાલિકા અને અગાઉ નગરપાલિકા
દ્વારા આપવામાં આવતું પાણી પીવાલાયક ન હોવાને પગલે લોકો ખાનગી રાહે પીવાનું પાણી મગાવી
રહ્યા છે. અગાઉ આવાં દૂષિત પાણીના કારણે લોકોને જીવ ખોવાના વારા પણ અહીં આવી ચૂક્યા
છે. જેના કારણે લોકોને જોઈએ તેટલો વિશ્વાસ
પાલિકાના પાણી ઉપર નથી અને લોકો ખાનગી રાહે પાણી મગાવતા થતાં તેમની માંગને પહોંચી વળવા
અનેક લોકોએ ફિલ્ટર પ્લાન્ટના નામે અનેક જગ્યાએ ધંધા શરૂ કર્યા છે. દિવસ-રાત પાણીનો
વેડફાટ કરતા આવા ધંધાર્થીઓ બોર બનાવીને અથવા અમુક શખ્સો પાલિકાની લાઈનમાંથી પાણી ખેંચી
વેપલો કરી રહ્યા છે. - સોસાયટીઓ
સાથે ખાનગી કંપનીઓમાં પણ ખાનગી રાહે પાણી પહોંચાડાય છે : શહેર-સંકુલમાં ફિલ્ટર પ્લાન્ટના નામે ધંધો
કરતા લોકો પાણીની બોટલો ભરીને જુદી-જુદી સોસાયટીઓમાં પહોંચાડતા હોય છે, જ્યારે અન્ય અનેક લોકોએ બિનઅધિકૃત રીતે બોર
બનાવી પાણીના ટેન્કરના ટેન્કર ભરીને બેરોકટોક, બેખોફ,
બેફામ રીતે વેપલો કરી રહ્યા છે. મહાપાલિકા હાલમાં પણ અનેક સોસાયટીઓ,
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી 15-27 દિવસે પણ પહોંચાડી શકતી નથી,
જેના કારણે લોકોને ખાનગી રાહે ટેન્કર મગાવવાની ફરજ પડે છે. આવા ટેન્કર ખાનગી કરાયેલા
બોરમાંથી પાણી ભરીને લોકોને વેચવામાં આવે છે. મ.ન.પા. હેઠળ આવતા તમામ વિસ્તારોમાં આ
હાલત સર્વસામાન્ય છે. જે સર્વવિહિત છે. નવી બનતી સોસાયટીઓના બનતા મકાનોમાં પાણી છાંટવા
માટે પણ આવી રીતે પાણીના ટેન્કર મગાવાય છે, તો બીજીબાજુ ખાનગી
કંપનીઓમાં પણ આવી જ રીતે ટેન્કર, ટ્રેક્ટરો પાણી લઈને દોડતા હોય
છે. - ભૂગર્ભજળ નીચા જતાં ભારનું
પ્રમાણ વધ્યું છે : અહીં બોર, કૂવા, પાતાળ કૂવા કે ટયૂબવેલ
દ્વારા પાણીને ઉલેચી લેવામાં આવે છે, જેના કારણે પાણીનાં તળ નીચાં
ગયાં છે. આવા સંજોગોમાં ભૂગર્ભજળમાં ભારનું પ્રમાણ વધ્યું છે. અહીંના લોકોમાં પાણી
સંગ્રહ અંગેની જનજાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાને લાભ થાય એ રીતે
પાણીનો ઉપયોગ કરે છે. સરકાર બોર-કૂવા રિચાર્જ, વરસાદી પાણીના
સંગ્રહ અંગે જણાવે છે, જ્યારે અહીં પાણી ઉલેચાય છે સરકાર દ્વારા
છેલ્લા કેટલાક સમયથી બોર, કૂવા રિચાર્જ કરવા અંગે યોજનાઓ ચલાવી
રહી છે તેમજ લોકોને વરસાદી પાણીનું સંગ્રહ કરવા પ્રોત્સાહિત કરાય છે, પરંતુ તેનાથી ઊલટું કામ કરવામાં આવે
છે. વરસાદી પાણીનો સંગ્રહ અમુક લોકો સિવાય કોઈ કરતું નથી, જ્યારે
ભૂગર્ભજળ ઊલેચવાના અનેક ધંધા ફૂલ્યાફાલ્યા છે. - પાણી ખેંચવા વીજ મીટર અંગે
પણ અનેક પ્રશ્ન : ઊઠી ગયેલાં
ભૂગર્ભજળને ઊલેચવા માટે વધુ હોર્સપાવરની મોટરની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે માટે વીજજોડાણ પણ વધુ ક્ષમતાનું જોઈએ ત્યારે
આવા બિનઅધિકૃત એકમોને વીજ જોડાણ કયા આધારે આપવામાં આવે છે તે એક પ્રશ્ન છે. - સુરત મ.ન.પા. દ્વારા બિનઅધિકૃત બોર તોડી દેવાયા : અહીં ક્યારે ? : સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાં આવેલી બિનઅધિકૃત
બોર તોડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ધમધમતા આ શહેર, સંકુલ અને મ.ન.પા. હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં
આવી કાર્યવાહી મ.ન.પા. ક્યારે કરશે તે પ્રશ્ન ઊછળીને સપાટી ઉપર આવ્યો છે.