• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ઊર્જાવાન કચ્છ બન્યું સૌરઊર્જાનું હબ

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 4 : આમ તો કચ્છીઓની ઊર્જા લાજવાબ છે. કુદરતી આફતોની કઠણાઈઓ વચ્ચે પણ કચ્છીમાડુ અડીખમ ઊભો રહ્યો છે અને સૈકાઓ પહેલાં તે સીમાડાઓ ઓળંગીને વણદીઠેલી ભોમકાઓ ખૂંદીને વેપારવણજ કરતો હતો અને હવે કચ્છની ધરતી સૌર ઊર્જા-ગ્રીન એનર્જીનું આખા દેશનું હબ થવા જઈ રહી છે. એક તરફ અદાણી જૂથ દ્વારા ખાવડા પાસે  પ38 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ કરાયું છે અને 2030 સુધી અહીં હવે 37 ગીગાવોટ એનર્જીના ઉત્પાદનનો લક્ષ્યાંક છે, તો બીજી તરફ રિલાયન્સ જૂથ દ્વારા પણ કચ્છમાં સાડા પાંચ લાખ એકર વિસ્તારમાં સૌર પરિયોજના વિકસાવવા ભણી આગળ વધી રહ્યું છે, જેમાં આગામી એક દશકમાં દેશની વૈકલ્પિક ઊર્જાના 10 ટકા ઉત્પાદનનું લક્ષ્ય છે, તો બીજી તરફ સોલાર રૂફટોપ પેનલના રૂપમાં વ્યક્તિગત ધોરણે પણ કચ્છીઓનો વૈકલ્પિક ઊર્જા ભણી ઝોક વધી રહ્યો છે અને પીએમ સૂર્યઘર-મુફ્ત બીજલી યોજના (પીએમએસજી-એમબીવાય) તથા સૂર્ય ગુજરાત હેઠળ જિલ્લાના (ભુજ અને અંજાર સર્કલ) 32751 ઘરમાં અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અંતર્ગત 3390 બિનરહેણાક સ્થળોએ સૌરઊર્જા અપનાવાઈ છે.  મુંદરામાં અદાણી બંદરની સાથે ઉઠેલી વિકાસની ભરતી બાદ અદાણી ગ્રુપના અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા ખાવડા પાસે પાંચ પેરિસ શહેરથી પણ વધુના વિસ્તારમાં મહાકાય ગ્રીન એનર્જી પાર્ક વિકસાવાયો છે. અહીં લગભગ સાત ગીગાવોટ એનર્જી ઓપરેશનલ છે અને હાલમાં જ કરણ અદાણીએ કરેલી જાહેરાત મુજબ 2030 સુધી 37 ગીગાવોટ ઊર્જાના ઉત્પાદનનો લક્ષ્યાંક છે.  દુનિયાના સૌથી વિશાળ આ પાર્ક હાયબ્રિડ એનર્જી પાર્ક છે. એટલે કે, સોલારની સાથે વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ સામેલ છે. સ્વચ્છ ઊર્જામાં આગેવાની લેવાની ભારતની નેમમાં અદાણી જૂથનો આ પાર્ક ગેમચેન્જર કહેવાય છે. અદાણી જૂથની સાથે જ રિલાયન્સ જૂથના પણ કચ્છમાં પગરણ થઈ ગયા છે અને કચ્છમાં જ તે સાડા પાંચ લાખ એકર વિસ્તારમાં સૌરઊર્જા પરિયોજના ઊભી કરી રહ્યું છે. 2030 સુધી આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધમધમતો કરી દેવાનું લક્ષ્ય છે અને રિલાયન્સ જૂથે એવી જાહેરાત કરી છે કે, તે આગામી દશકમાં દેશનની વીજળીની 10 ટકા જરૂરિયાત પૂરી કરશે. આમ તો 2026-27ના નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ આ પાર્ક ઓપરેશનલ કરી દેવાની તૈયારી છે. મુકેશભાઈ અંબાણીએ એવી જાહેરાત કરી હતી કે, અહીં રોજ પંચાવન મેગાવોટ સોલાર મોડયુલ લગાવવામાં આવશે. ભારતની મોટી એનર્જી કંપની એનટીપીસીએ પણ કચ્છમાં ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને ખાવડા પાસે 110 મેગાવોટનો પીવી સોલાર પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. કંપનીએ એવી જાહેરાત કરી છે કે, કુલ 470 મેગાવોટની સ્થાપિત ક્ષમતાનો મેગા પાર્ક ઊભો કરાશે. મોટા સોરઊર્જા મથકોની સાથે કચ્છીઓ પોતાના ઘરોમાં પણ સોલાર પેનલો થકી સૌરઊર્જાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. પીજીવીસીએલની કચેરીમાંથી મળેલી વિગત મુજબ કચ્છમાં કુલ 32751 રહેણાક મકાનમાં સોલાર પેનલ લગાવાઈ છે અને લગભગ 253 મેગાવોટ વીજળીનું ઉત્પાદન મેળવાઈ રહ્યું છે. લોકો સૌરઊર્જા ભણી વળે એ માટે સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત લાભાર્થી પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત અપાય છે અને એકથી બે કિલોવોટ માટે પ્રતિ કિલોવોટ રૂા. 30000 સુધીની અને બેથી ત્રણ કિલોવોટ માટે વધારાની પ્રતિ કિલો વોટ રૂા. 18000 સુધીની સબસિડીની જોગવાઈ છે. મનોહર શ્વેત રણને લીધે સુપ્રસિદ્ધ બનેલું ધોરડો, ધ્રબ, વાંઢ, નવીનાળ જેવા ઘણા ગામો `સૌર' ગ્રામ બન્યાં છે. 

Panchang

dd