દયાપર (તા. લખપત), તા. 10 : તાલુકાનાં
મુખ્ય મથક દયાપરમાં બસ સ્ટેશન પાસે આવેલ લાંબા ક્રોઝવે પર પુલ બનાવવો જરૂરી હોવાનો
તાજેતરમાં આ માધ્યમમાં હેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેને પગલે પુલનું કામ ચાલુ કરી દેવાતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. જ્યારે
વરસાદ પડે ત્યારે આ ક્રોઝવેમાં પાણી આવી જાય અને લખપત-ભુજ હાઇવે વાહનવ્યવહાર માટે બંધ
થઇ જાય છે. પાણી ઓસર્યાં બાદ પુન: વાહનવ્યવહાર ચાલુ થતો હોય છે. વેપારી, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા માટે મહત્ત્વના રસ્તે
હવે પુલ બની જતાં વરસાદમાં બંધ નહીં થાય અને વાહનવ્યવહાર ચાલુ રહેશે, જેથી લોકોમાં આ સુવિધા પ્રત્યે આનંદની લાગણી ફેલાઇ હતી. માર્ગ મકાન વિભાગના
ઇજનેરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં બોક્સ અને પછી વચ્ચે સિમેન્ટ
પાઇપ રખાશે, જ્યાં પાણીનું વધારે દબાણ આવે છે, ત્યાં આરસીસી પુલ બનાવાશે. હાલમાં ડાયવર્ઝન બનાવવાનું કામ ચાલુ છે,
પરંતુ ડાયવર્ઝન કાચું બનાવાતાં નાનાં વાહનોને તકલીફ પડે છે. કામ લાંબુ
ચાલશે તેથી ડાયવર્ઝન પણ પાકું ડામરવાળું બનાવાય તેવી માંગ ઊઠી છે. અહીં પુલ બની જતાં
તળાવની શોભામાં પણ વધારો થશે.