• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

લખપત-પુનરાજપર લિગ્નાઈટ ખાણ 26મી જાન્યુ.ના શરૂ થાય તેવી સંભાવના

દયાપર (તા. લખપત), તા. 10 : ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા લખપત-પુનરાજપર લિગ્નાઈટ ખાણનો 26મી જાન્યુઆરીના પ્રારંભ કરાય તેવી ચર્ચા સાથે સંભાવના ઊભી થઈ છે. તાજેતરમાં લખપત માટે લિગ્નાઈટ ખાણ અંતર્ગત લોકસુનાવણી યોજાઈ હતી. ખનિજ નિગમને વિવિધ મુદ્દાઓ પર પરવાનગી મળતાં હવે 26મી જાન્યુઆરીના લિગ્નાઈટ ખાણ ચાલુ થાય તેવી સંભાવના દેખાય છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ લિગ્નાઈટ ખાણ પ્રારંભે મુખ્યમંત્રી પણ આવે તેવી શક્યતા છે. હાલમાં લખપત પાસે ખનિજ નિગમ દ્વારા વિવિધ બાંધકામોના કામ પૂરજોશથી પૂર્ણ કરાય છે. વહીવટી કચેરી, ગેસ્ટહાઉસ, કેન્ટિન (ભોજનાલય), મુખ્ય પ્રવેશદ્વાર જેવાં કામો પૂર્ણ થઈ ગયાં છે. લખપત-પુનરાજપર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં લિગ્નાઈટ અને લાઈમસ્ટોનનો જથ્થો જમીનમાં ધરબાયેલા છે. જીએમડીસીની લિગ્નાઈટ ખાણ તેમજ નજીકમાં જ આવતા સિમેન્ટ પ્રોજેક્ટ, જેટી જેવા ઉદ્યોગોથી વિકાસના નવા પ્રાણ ફૂંકાશે. બીજીબાજુ પુનરાજપર ગ્રામજનોએ લિગ્નાઈટ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. તાજેતરમાં જ ધારાસભ્ય સાથે ગામના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જ્યાં સુધી પ્રલોગેશનનું કામ પૂર્ણ ન થાય, પર્યાવરણ મંજૂરી ન મળે ત્યાં સુધી પ્રોજેક્ટ ચાલુ ન કરવા માગણી કરી છે. ખેડૂતો અને પશુપાલકોને જમીન સંપાદનમાં યોગ્ય વળતર મળે, રોજગારી મળે તવી પણ સ્થાનિકોની માંગ છે. લખપત-પુનરાજપર પ્રોજેક્ટ 26મી જાન્યુઆરીના ચાલુ થવા બાબતે અમદાવાદ વડી કચેરીના ચીફ જનરલ મેનેજર એ.કે. માંકડિયાનો સંપર્ક કરતાં વારંવાર નો-રિપ્લાય આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે. એટલું જ નહીં પણ લખપત લિગ્નાઈટ પ્રોજેક્ટ પ્રવેશદ્વાર પર સલામતી રક્ષકની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. કચેરીનું મકાન પણ બની ગયું છે, ત્યારે નજીકના સમયમાં જ આ લિગ્નાઈટ પ્રોજેક્ટ ચાલુ થાય તેવા અણસાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. 

Panchang

dd