કાઠડા (તા. માંડવી), તા. 10 : માંડવી તાલુકાનાં
કાઠડા ગામે એરસ્ટ્રીપ નિર્માણ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે
ગુજરાત હાઇકોર્ટે આપેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનું ટાળી ગ્રામજનોની અરજીનો અસ્વીકાર
કરતાં આ સ્થિતિ સર્જાઇ છે. કાઠડા વિસ્તારના ગ્રામજનોએ જણાવ્યું કે, અમારી લડત તો જારી છે, પણ હવે અમને આ નિર્ણયનો સ્વીકાર કર્યે જ છૂટકો છે. કાઠડા ગામ અને માંડવી સીમ
વિસ્તારની સેંકડો એકર જમીનની એરસ્ટ્રીપના વિસ્તૃતીકરણ માટે ફાળવણી કરી દેવાઇ,
જે અંગે કાઠડા ગ્રામ પંચાયત તથા ગ્રામવાસીઓએ વિરોધ નોંધાવીને ન્યાય માટે
કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. હાઇકોર્ટ એવિએશન વિભાગની તરફેણમાં નિર્ણય આપતાં ગ્રામ
પંચાયત અને ગ્રામવાસીઓએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા તૈયારી કરી હતી,
પણ સુપ્રીમ કોર્ટે ગ્રામ પંચાયત તથા ગ્રામવાસીઓની અરજીનો અસ્વીકાર કરી
હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો, જેથી કાઠડા ગામવાસીઓ તથા
ગૌપ્રેમીઓમાં નારાજગી ફેલાઇ હતી. ગ્રામજનોએ કહ્યું કે, ગૌચર જ
નહીં બચે તો જનજીવનનું અસ્તિત્વ જોખમાશે. કાઠડા ગામના સરપંચ પતિ ભારમલ ગઢવીએ જણાવ્યું
હતું કે, સંસ્કૃતિ અને સંસ્કારોથી ભરેલાં કાઠડા ગામની 212 એકર જમીન ગ્રામ પંચાયત અને
ગ્રામસભા ઉપરવટ જઇને ફાળવી દેવાઇ, જે સામે
કાયદાકીય લડત શરૂ કરીને સુપ્રીમ સુધી પહોંચ્યા, પણ સુપ્રીમે હાઇકોર્ટના
નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત માન્યું નહીં અને ગ્રામ પંચાયતની અરજી રદ કરી દીધી,
જેથી તે નિર્ણય સ્વીકારવો પડયો છે.