દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 10 : `સમગ્ર જૈન સમાજને એક જ છત્ર
નીચે લાવવા સાથે સામાજિક, સાંસ્કૃતિક
અને સેવાકીય પ્રવૃત્તિઓને એક મંચ આપવો એ વિચાર જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડના
પાયામાં રહેલો છે અને હવે જ્યારે નવી બોડીનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આગામી સમયમાં વિવિધ સેવાઓ જાળવી રાખવા સાથે યુવા કેન્દ્રિત પ્રવૃત્તિઓએ
અગ્રસ્થાને રહેશે', એમ કહેવું છે મૂળ કચ્છના મોટી ખાખરના જૈન
આગેવાન જયંતીલાલભાઈ કેશવજી છાડવાનું. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ (જેજેસી સેન્ટ્રલ
બોર્ડ)ના ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરીના
ઘાટકોપર, મુંબઈ ખાતે સવારે યોજાનારા કાર્યક્રમમાં વર્ષ 2026-27ના જેજેસી સેન્ટ્રલ બોર્ડના
નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાશે, જેમાં જયંતીલાલભાઈ છાડવા ચેરમેનનું પદ ગ્રહણ કરશે. આ પહેલાં કચ્છમિત્ર અખબાર
સાથેની ખાસ વાતચીતમાં તેમણે આવનારા સમયમાં આજના બદલાતા યુગ વચ્ચે યુવાનોને શિક્ષણ,
રોજગારી ઉપરાંત આપણી પરંપરા, સંસ્કૃતિ જાળવતા કાર્યક્રમો
આપતી પ્રવૃત્તિઓ યોજવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જયંતીલાલભાઈ વિવિધ સાંસ્કૃતિક,
સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેઓ મુંબઈની પ્રસિદ્ધ
શાહ એન્ડ એન્કર કચ્છી એન્જિનીયારિંગ કોલેજનું પણ ચેરમેન પદ સંભાળી રહ્યા છે. આ કોલેજના
મેનાજિંગ ટ્રસ્ટી પદે કોલેજ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનારા દાનવીર સ્વ. દામજીભાઈ
એન્કરવાલાના પુત્રો સંજય એન્કરવાલા છે અને અતુલભાઇ એન્કરવાલા ટ્રસ્ટી પદે સેવા આપી
રહ્યા છે. જેન્તીલાલભાઈ છાડવા જેજેસી સેન્ટ્રલ બોર્ડમાં 2008થી જોડાયેલા છે. આ દરમિયાન
તેમણે ડેવલપમેન્ટ સેક્રેટરી, જનરલ
સેક્રેટરીનું અને છેલ્લે વાઇસ ચેરમેનનું પદ સંભાળ્યું હતું, હવે
ચેરમેન પદ સંભાળશે. - જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપના અને અત્યારે વ્યાપ કેટલો છે ? : જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપના 26 જુલાઈ, 1975ના થઈ હતી. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડની સ્થાપના 26 જૂન, 1981ના થઈ હતી. જૈન જાગૃતિ સેન્ટરની વર્તમાનમાં બે પાંખ છે. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને ચેરિટેબલ ટ્રસ્ટની 1975થી જ સેવાકીય પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આજે આ સંસ્થાના ભારત અને દુનિયાભરમાં કેન્દ્રો છે અને આ એક જ છત્ર અને એક જ ઉદ્દેશ સાથેની આ સંસ્થામાં કુલ 65,000થી વધુ સભ્ય છે. - સેન્ટરની પ્રવૃત્તિ ? : જૈન જાગૃતિ સેન્ટરનાં માર્ગદર્શન તળે વિવિધ સામાજિક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાય છે. આ પછી સેવાની પ્રતિબદ્ધતા સાથે 1994માં ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ. જેજેસીને 2025માં 50 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. - જૈન જાગૃતિ સેન્ટરનો મૂળ ઉદ્દેશ અને કયા ક્ષેત્રમાં કામગીરી ? : જૈન જાગૃતિ સેન્ટર એ એક એવી સંસ્થા છે કે, જે પરોપકારનું પ્રતીક છે અને જૈન સમુદાયનાં હિત માટે વ્યાપક સ્તરે કામ કરે છે, જેની પાછળનો મૂળ વિચાર એ છે કે, જૈન સમાજના વિવિધ ફિરકાઓને એક મંચ પર કાર્યરત રાખવા. એક સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃત્તિઓ કરનારી આ સંસ્થા આજે સેવાકીય પ્રવૃત્તિમાં વ્યાપક અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જેમ કે, જૈન જાગૃતિ સેન્ટરો છેલ્લાં 18 વર્ષથી મુખ્યત્વે વિવિધ શહેરોમાં સમૂહલગ્ન, વિદ્યાર્થીઓને રિફંડેબલ નાણાકીય સહાય, યુવા મેળાઓનું આયોજન કરે છે. - શિક્ષણ - આરોગ્ય ક્ષેત્રે : શૈક્ષણિક ક્ષેત્રમાં આ સંસ્થા વિદ્યાર્થીઓને રાહતભાવે નોટબુકો આપે છે. 2005માં શિક્ષણ જાગૃતિ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ સિવાય આરોગ્ય ક્ષેત્રે બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પો યોજાતા રહે છે. પર્યુષણ દરમ્યાન વ્યાખ્યાનમાળા સત્ર પણ યોજાય છે. - સામાજિક ક્ષેત્રે મોટું કામ : આ સાથે જેજેસી ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરવામાં આવે, તો વિવિધ સેન્ટરોની મદદથી આંધ્રપ્રદેશમાં વાવાઝોડું, મોરબી દુર્ઘટના અને કચ્છમાં વાવાઝોડું તેમજ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના સમયે અનાજ, કપડાં, દવાઓ, ઘરવખરી જેવી સહાય પહોંચાડવામાં આવી હતી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય આંખ સારવાર કેમ્પ, હૃદયરોગ સારવાર કેમ્પ ઉપરાંત સેવાકીય ક્ષેત્રમાં ગાયોને ચારો, અબોલ જીવોની સારવાર જેવી પ્રવૃત્તિઓ પણ ઘણાં વર્ષોથી થઈ રહી છે. - શૈક્ષણિક પ્રવૃત્તિમાં વિશેષ અને નવા આયામ શું છે ? : સંસ્થા ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને રિફંડેબલ નાણાકીય સહાય કરે છે, જેમાં વિદ્યાર્થીઓ પોર્ટલ મારફત અરજી કરી શકે છે. વિદ્યાર્થી ભારતમાં કે વિદેશમાં પણ અભ્યાસ અર્થે જવું હોય તો વિવિધ ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકે છે. - જેજેસીનાં કચ્છ જોડાણ અને ભાવિ આયોજન વિશે શું કહેશો ? : કચ્છમાં 11 સેન્ટર છે. ચેરમેન પદ મૂળ કચ્છના વતનીને મળ્યું છે. વાઇસ ચેરમેન પદે માંડવીના ભાવિનભાઈ શાહ છે. ચેરિટેબલ ટ્રસ્ટમાં ચેરમેન પદે રાપરના રમેશભાઈ મોરબિયા છે. દાનવીર રમેશભાઈ વર્તમાનમાં ચેરિટેબલ ટ્રસ્ટનું ચેરમેન પદ સંભાળે છે. આ પહેલાં તેઓ જેજેસી સેન્ટ્રલ બોર્ડનું ચેરમેન પદ સંભાળી ચૂક્યા છે. હવે સોશિયલ મીડિયા અને વધતી ટેક્નોલોજીના જમાનામાં આપણી સંસ્કૃતિ ટકાવવી એ આજના સમયનો મોટો પડકાર છે. અમે અમારી જૂની પ્રવૃત્તિઓ જારી રાખવા સાથે ખાસ કરીને નવી પેઢીને ધ્યાને લઈને યુવા લક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરશું. યુવાનોને શૈક્ષણિક સહાય તેમજ યુવા મેળા જેવી પ્રવૃત્તિમાં વધારો કરીશું. તાજેતરમાં 31 ડિસેમ્બર દિવસે અમે યુવાનોને એકત્ર કરીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરી હતી. જેજેસી બીચ સાઇડ, વાઇસ ચેરમેન ઉદયભાઇ સંઘવીના સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 2500થી વધુ યુવાનો એકત્ર થયા હતા. - વર્ષ 2026 - 27ના હોદ્દેદારો : જયંતીભાઈ છાડવા - ચેરમેન , કિશોરભાઈ શેઠ - આઈપીસી, ઉદયભાઇ સંઘવી - વાઇસ ચેરમેન, ભાવિનભાઈ શાહ - વાઇસ ચેરમેન, મિતેષભાઇ અંબાવી - સેક્રટરી જનરલ, હિતેશભાઈ ભેદા - સેક્રેટરી, જિજ્ઞેશભાઈ ડી. ભાયાણી - સેક્રેટરી, કેનિલભાઈ પી. શેઠ - સેક્રેટરી, મિલનભાઈ એચ. શાહ - ડેવલપમેન્ટ સેક્રેટરી, રોહિતભાઈ ગંગર - ટ્રેઝરર, પરેશભાઈ ગોયલ - એડિટર - કચ્છમાં સમૂહ
લગ્નોત્સવનો નિર્ધાર : મૂળ માંડવીના અને જેજેસી બોર્ડમાં વાઇસ ચેરમેન પદ સંભાળી રહેલા ભાવિનભાઈ શાહ કહે છે કે, કચ્છમાં મોટાપાયે સમૂહલગ્ન ઉત્સવનું આયોજન ઘડાશે. ભાવિનભાઈએ કહ્યું કે, હાલમાં લગ્નનો ખર્ચો ઘણો વધતો જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને અમે સમૂહ લગ્નોત્સવનું નજીકના ભવિષ્યમાં આયોજન કરીશું. આ સિવાય વડીલવંદના કાર્યક્રમો, વર્ષમાં એકવાર તમામ જૈન જાગૃતિ સેન્ટરોને એક જ સ્થાને એકત્ર કરતી કચ્છી મીટ યોજવા અને સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે.