ભુજ, તા. 10 : ભુજ સુધરાઈ દ્વારા શહેરના વિવિધ
વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી છેલ્લા એક સપ્તાહથી
ચાલુ છે. અંદાજિત 150 કિલો જેટલો
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. અંદાજિત રૂા. 50,000નો દંડ કરાયો છે. મોટા શો-રૂમ, દુકાનધારકો અને લારી-ગલ્લાવાળાને જાહેરમાં ગંદકી
ન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજાવાયા છે. તેમજ દંડ પણ કરાય છે. આ કામગીરી હજુ
પણ ચાલુ રહેશે, જેથી શહેરીજનોને તેમજ લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોને
જાહેરમાં ગંદકી ન કરવા અપીલ કરાઈ છે અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવાયું
હતું. મુખ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની સેનિટેશન શાખા, સ્વચ્છ ભારત મિશન શાખા તેમજ દબાણ શાખા દ્વારા કામગીરી કરાઈ રહી છે.