• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

સુપ્રીમ કોર્ટના ટેટ સંબંધિત નિર્ણય અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કેન્દ્રીય શિક્ષણમંત્રી સાથે મુલાકાત

ભુજ, તા. 10 : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના એક પ્રતિનિધિમંડળે આજે ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી અને શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સંબંધિત સુપ્રીમ કોર્ટના તા. 01-09-2025ના નિર્ણયના સંદર્ભમાં એક વિસ્તૃત સ્મરણપત્ર રજૂ કર્યું હતું. આ સ્મરણપત્રમાં પ્રતિનિધિમંડળે નિયુક્તિની તારીખની પરવા કર્યા વિના તમામ સેવારત શિક્ષકો પર (TET)  ફરજિયાત કરવાના મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, જો આ નિર્ણયને પૂર્વવ્યાપી રીતે અમલમાં મૂકવામાં આવે તો દેશભરના અંદાજે 12 લાખ શિક્ષકોની સેવા-સુરક્ષા, વરિષ્ઠતા, પદોન્નતિ તથા આજીવિકા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. પ્રતિનિધિમંડળે શિક્ષણમંત્રીનું ધ્યાન આ હકીકત તરફ દોર્યું કે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ(NCTE)ની તા. 23-08-2010ની સૂચનામાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ધોરણ 1થી 8 સુધીના શિક્ષકો માટેની ન્યૂનત્તમ લાયકાતો સૂચનાની તારીખથી અમલમાં આવશે અને તે પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને ઝઊઝમાંથી મુક્તિ આપવામાં આવશે. મહાસંઘે વધુમાં રજૂઆત કરી કે, તે સમયની પ્રચલિત અને વૈધ શૈક્ષણિક તથા વ્યાવસાયિક લાયકાતોના આધારે નિયુક્ત થઈ વર્ષોથી સેવા આપી રહેલા અનુભવી શિક્ષકો પર આ નિર્ણયને પૂર્વવ્યાપી રીતે લાગુ કરવો ન્યાયસંગત નથી. શૈક્ષિક મહાસંઘે શિક્ષણમંત્રીને વિનંતી કરી કે, તેઓ આ વિષયમાં હસ્તક્ષેપ કરીને નિર્ણયને માત્ર ભાવિ રીતે અમલમાં મૂકવા, સૂચનાથી પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોની વરિષ્ઠતા, ગૌરવ તથા વૈધ અપેક્ષાઓનું રક્ષણ કરવા તેમજ શિક્ષકોને સંભવિત સેવા-સમાપ્તિ અને પદોન્નતિથી વંચિત થવાથી બચાવવા જરૂરી કાનૂની તથા વહીવટી પગલાં લેવા માટે પહેલ કરે.  આ અવસરે મહાસંઘના પ્રતિનિધિમંડળે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન વિધેયકનું સ્વાગત કર્યું અને તેના ઉદ્દેશ્યોની પ્રશંસા કરી હતી. શિક્ષણમંત્રીએ સંગઠન દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો તથા તથ્યોને ગંભીરતાપૂર્વક સમજીને રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદના અધ્યક્ષ તથા સંબંધિત અધિકારીઓને આ વિષયમાં યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર સંતુલિત તથા સકારાત્મક દૃષ્ટિકોણથી વિચાર કરવાની ખાતરી આપી હતી. આ પ્રતિનિધિમંડળમાં ABRSMના અધ્યક્ષ પ્રો. નારાયણલાલ ગુપ્તા, મહાસચિવ પ્રો. ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી જી. લક્ષ્મણ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ મહેન્દ્ર કુમાર, શાળા શિક્ષણ પ્રભારી શિવાનંદ સિંદનકેરા, NIT શિક્ષક ફોરમના સંયોજક પ્રો. મહેન્દ્ર શ્રીમાલી, ABRSM  તેલંગાણા એકમ (TPUS)ના અધ્યક્ષ હનુમંત રાવ તથા મહાસંઘના તમિલનાડુ એકમ `દેસીય અસ્રરિયાર સંગમ'ના મહાસચિવ કંદસામી જોડાયા હતા. 

Panchang

dd