• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

પાલારા ખાસ જેલની દીવાલો ચિત્રોથી શોભી ઊઠી

વસંત અજાણી દ્વારા : ભુજ, તા. 10 : પાલારા ખાસ જેલ ખાતે બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો અને તેમનું જીવન પણ રંગીન બને તેવા ઉમદા હેતુથી રાજકોટની સેવાભાવી સંસ્થા મિશન સ્માર્ટ સિટી-ટ્રસ્ટ ચિત્રનગરીના સહયોગથી 70 જેટલા ચિત્રકાર પોતાની કળા દ્વારા બેરેક અને દિવાલો ઉપર લોકોમાં સકારાત્મક વિચારબીજ રોપાય તેવાં કલાત્મક ચિત્રો છેલ્લા ત્રણ દિવસથી દોરી રહ્યા છે. જેલના વડા ડો. કે.એલ.એન. રાવ, જેલ સચિવ અશ્વિન ચૌહાણ અને રાજકોટ જેલ ઝોન વડા વાગીશા જોશીનાં માર્ગદર્શન દ્વારા ગુજરાતની સાબરમતી અને વડોદરા જેલ પછી પાલારા ખાસ જેલમાં ચિત્રકારો રાત-દિવસ કામ કરીને માત્ર સુશોભિત નહીં પણ જેલ સુધારણા અને કેદી કલ્યાણ પ્રવૃત્તિમાં સેવાની સુવાસ રેલાવી રહ્યા છે. ચિત્રનગરી સંસ્થાના મૌલિક કોટેચા અને પાલારા જેલના અધીક્ષક બી.બી. પરમારે `કચ્છમિત્ર' સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મિશન સ્માર્ટ સિટી-ટ્રસ્ટ અને ચિત્રનગરી સંસ્થા છેલ્લા 10 વર્ષથી સરકારી કચેરીઓ અને ખાનગી જગ્યાઓ ઉપર સમાજોપયોગી ઓઇલ પેઇન્ટ અને વોટર કલરથી ચિત્રો દોરી અને સુવિચારો લખીને લોકોની નકારાત્મક બાબતોને દૂર કરવાનું કામ કરી રહી છે. કેદીઓની જિંદગી કોટડીમાં નથી, ભગવાન સારું જીવન જીવવાની તક આપે તથા તેમનું જીવન પણ રંગીન બને તેવા સામાજિક સંદેશા સાથે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. શ્રી કોટેચા અને શ્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ગ્લોબલ પેઇન્ટ્સવાળા પંકજભાઇ પારેખ તરફથી કલરની સેવા મળી છે, જે વર્ષોથી સંસ્થાને નિ:શુલ્ક રંગ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 70 ચિત્રકારમાંથી 45 જેટલી મહિલા હાથમાંથી પીંછી પકડીને દીવાલોને રંગીન બનાવવામાં જોડાઇ હતી. વળી આયોજનમાં પાલારા જેલમાં બંધ કેદીઓ જે ચિત્રકામ સાથે જોડાયેલા હતા. તેઓ પણ ભીંતોને કલરફૂલ કરતા હતા. અંદાજિત 200 જેટલા વિવિધ સંદેશા આપતાં ચિત્રો દોરવામાં આવશે. રાજકોટથી આવેલા ચિત્રકારો માટે વ્યવસ્થા સહિતના કાર્યમાં જેલર ડી.કે. જાખલ અને એસ.એમ. બારિયાની સાથે સ્ટાફ જોડાયો છે. રાજ્ય સરકાર અને જેલ વિભાગનો ઉદ્દેશ જેલના અંતવાસીઓને તણાવમુક્ત રાખી તેમને માનસિક રીતે સશક્ત બનાવવાની વાત અધીક્ષક પરમારે કરી હતી. 

Panchang

dd