પ્રાગપર, (તા.
મુંદરા), તા. 10 : `ભગવાન એને મળે છે, જે બધું ત્યાગીને તેને સમર્પિત થાય છે. દુર્ભાગ્યવશ આપણે શાસ્ત્ર વાંચવાનું
છોડી દીધું છે. નામ સ્મરણ, સાધુ સંગ, સંયમિત
આહાર અને શાસ્ત્ર જ્ઞાન હશે તો આપોઆપ ભૌતિકવાદથી છુટાશે, ભય-ક્રોધ
દૂર થશે, વૈરાગ્ય રહેશે અને જીવહાનિ નહીં થાય એ જ ખરી આહિંસા
છે.' તેવી શીખ ઇસ્કોન ઇન્ડિયાના પ્રમુખે પ્રાગપરમાં આપી હતી.
ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામના જળ-જીવ અને પર્યાવરણ રક્ષા વિશે
આયોજિત બે દિવસીય સંમેલનના શનિવારે સવારે આરંભિક સત્રમાં આશીર્વચન સાથે ઇસ્કોન ઇન્ડિયા
(મુંબઈ) પ્રમુખ ડો. સૂરદાસ પ્રભુએ વધુમાં કહ્યું કે, સમગ્ર વિશ્વમાં
વાસુદેવ છે. ક્યાંય પણ હો, ગુણો કેળવો અને પોતાથી શરૂઆત કરો.
જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની આ બીમારીની સારવાર સંતોના શરણે છે. આ સંસ્થાએ આવો જ દીપ પ્રજ્વલિત
કરવાનો પ્રયાસ કર્યો છે. પોતે કાશ્મીરમાં મોટા થયાનું કહી ઉમેર્યું કે, અહીંથી હિન્દુઓને દૂર કરાયા, આજેય અન્યાય થાય છે,
પણ બાવીસ વર્ષે પ્રભુ પાદનાં સાંનિધ્યમાં અધ્યાત્મ ક્ષેત્રે આવ્યો. હિંસા
કરવા સાથે હિંસા સહન કરવી એ પણ પાપ છે. સંમેલનના પ્રથમ દિવસે સવારે ભારતભરમાંથી આવેલા
ગૌપ્રેમીઓએ આહિંસાધામ સ્થિત મ્યુઝિયમ, પશુઓ માટેની આઈસીયુ હોસ્પિટલ,
બપોરે નંદી સરોવર અને ઘાસચારાના વનોની મુલાકાત લીધી હતી. - વૃક્ષો વાવો ભલે નહીં કાપો
તો નહીં : સવારના સત્રમાં મુખ્ય વક્તા પૂ. શાસ્ત્રી
કશ્યપભાઈ જોશીએ અહિંસાધામને મંદિરની ઉપમા આપતાં કહ્યું કે, વૃક્ષો ભગવાનનું જ સ્વરૂપ છે. પુરાણોમાં વૃક્ષોના
વાવેતરનો મહિમા છે. 10 પુત્ર બરાબર
એક પુત્રી અને 100 પુત્રી બરોબર એક વૃક્ષ છે.
જે તમારા મૃત્યુ સમયે પણ સાથે રહેશે. એમાં પણ કચ્છની પ્રકૃતિ એશિયામાં શ્રેષ્ઠ છે, જ્યાં સમુદ્રો, પહાડ,
રણ એક સાથે છે. 300 પ્રકારની ચકલી, 36 પ્રકારના ઘાસ છે. વૃક્ષોનું
વાવેતર ન કરો તો કાંઇ નહીં કાપો નહીં, 10 બ્રહ્મહત્યાનું પાપ છે. એડવોકેટ
અનુપચંદ જૈને જીવદયા પર વકતવ્યમાં કહ્યું કે, સૌંદર્ય પ્રસાધનો ચામડાંની બેગ,
પરફ્યુમથી દૂર રહો એમાં પશુ હત્યા છે. ઉત્તરાયણનો પણ વિરોધી નથી,
પરંતુ હજ્જારો પક્ષી મૃત્યુને પામે છે, ત્યારે
ચાઈનીઝ દોરીથી દૂર રહેવાનો સંકલ્પ કરો. બ્રહ્મકુમારીઝ મુંદરાના સુશીલાદીદીએ કહ્યું
કે, આજના સંમેલનના શ્રેષ્ઠ વિચારો પરથી સંકલ્પ લઈએ. પ્રકૃતિ જ સંસારની શોભા છે, તેના જતન માટે સારા પ્રસંગોએ યોગદાન આપીએ. મુંદરા-બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોષીએ
શ્રીકૃષ્ણ ભગવાનનાં કાર્યોમાં અપૂર્તતા ન હોય એમ કહીને આહિંસાધામમાં થતાં કલ્યાણનાં
કાર્યને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે તેમણે સોમનાથ મહાદેવના 1000 વર્ષ પૂર્ણતાની ઉજવણીનું સ્મરણ
કરતાં જયઘોષ કર્યો હતો. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના કમાન્ડર અશોકાસિંહે
સેવા કાર્યને ધન્યવાદ આપીને કહ્યું કે, અત્યારની ક્લાઈમેટ ચેન્જ, પ્રદૂષણની સમસ્યાનું મૂળ કારણ પ્રકૃતિ સાથે છેડછાડ છે. ભૌતિકવાદ છોડીને કુદરત
સાથે રહેવું જરૂરી બન્યું છે. - આહિંસા નોલેજ સિટીનું થશે નિર્માણ : આ પહેલાં
સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇએ 35 વર્ષથી થતી જળ, પશુ, પક્ષી અને પર્યાવરણ રક્ષાની પ્રવૃત્તિઓની વિગત આપી
ઉમેર્યું કે, આહિંસાધામ
સેવા પ્રવૃત્તિ સાથે નોલેજ સિટી છે. પાંચ લાખ વૃક્ષનું વાવેતર થઈ ચૂક્યું છે
અને વધુ પાંચ લાખનાં વાવેતર સાથે 10 લાખ વૃક્ષનું નવીનીકરણ થશે. જે તમામ 100-200 કે વધુ આયુષ્યનાં વૃક્ષો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં ત્રણ કરોડના ખર્ચે 21, 000 ફૂટમાં 14 વિભાગ સાથે આહિંસા નોલેજ સિટી
ઊભું થઈ રહ્યું છે, જેમાં 108 દાતા લેવાના છે જે ડ્રોથી પસંદ
થશે. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરાએ આવકાર
આપ્યો હતો. આ પ્રસંગે કુંવરજીભાઈ રવજી પિંડોરિયા (આફ્રિકા), એડવોકેટ હિતેશભાઈ જૈન, નરશીભાઇ મહાદેવાભાઇ દુબરિયા (અંધેરી- ભચઉ), એલવાયએમ ટેક્નોલોજીના
એમ.ડી. મયંક ઠક્કર, એમએસએમઇ બોર્ડના વાઇસ ચેરમેન નીતુકુંવર સિંઘ,
ગ્લોબલ કચ્છના ગાવિંદભાઈ ભાનુશાલી, મુંદરાના સહકારી આગેવાન મહેન્દ્રાસિંહ
જાડેજા `જામ',
જૈન સમાજ અગ્રણી ભૂપેન્દ્ર મહેતા, અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા. સૂત્ર સંચાલન અમૃત નિશરે કર્યું હતું.