હંમેશાં આપણે સાંભળીએ છીએ કે,
કુદરત ક્ષણમાં સર્જન કરે છે અને ક્ષણમાં બધું જ વિસર્જન પણ કરી શકે છે.
25 વર્ષ જૂની ભૂકંપની એ ઘટનાએ
સાક્ષી પૂરી. અમારું ઘર 65 વર્ષ જૂનું
હતું તો થયું કે, અમારું જ ઘર
પડયું હશે, પણ બહાર નીકળીને જોયું, તો ત્યારે
પથ્થરના ઢગલા અને તૂટેલાં ઘરો આ જ બધું જ નજરે પડતું હતું. જાણીતા પીડિયાટ્રીશિયન ડો.
શાંતુબેન પટેલ પાસે હું કામ કરતી. ભૂકંપની સવારે ઘરમાંથી પરવારીને શાંતુબેન પાસે સેવા
શરૂ કરી લીધી હતી. એમની સાથે કામ કરવાનો અનુભવ પ્રેરણાદાયી હતો. એક ડોક્ટરને ભગવાન તરીકે લોકો શા માટે ગણે છે, તે ભૂકંપ સમયે જાણ્યું. શાંતુબેનના ઘરના કેમ્પસમાં બાળકો માટે હોસ્પિટલ ચાલતી હતી અને બહાર પ્લાસ્ટિકના
ટેન્ટમાં ન્યુનેટલ બેલીસ માટેનું આઇ.સી.યુ. ઊભું કરવામાં આવ્યું હતું. એક સવારે જ્યારે
અમે સ્કૂલ પહોંચ્યા તો જોયું કે, શાંતુબેન પલંગ પર ધાબળો ઓઢીને ત્રણ નાનાં બાળકને છાતીએ વળગાડીને બેઠાં હતાં,
અમે જ્યારે પૂછયું કે, શું થયું, તો એમણે કહ્યું કે, `રાત આખી લાઇટ નહોતી અને બાળકો આખી રાત ઠર્યાં છે, તો એમને શક્ય તેટલી હૂંફ આપવાની કોશિશ કરી રહી
છું. આ ઘટનાએ મારા મન ઉપર ખૂબ જ ઊંડી છાપ છોડી કે વાસ્તવમાં ડોક્ટરો કેટલું બધું કરતા
હોય છે, જેનો આપણને ખ્યાલ પણ હોતો નથી. સ્વ. શાંતુબેનની સાથે
દાયકાઓ સુધી કામ કરવાનો અને ભૂકંપ સમયે એમનો અસલી સ્વભાવકર્મ જાણવા-માણવાનો મને લ્હાવો
મળ્યો હતો. (ડિમ્પલબેન
કાંતિલાલ શાહ હાલ માધાપર રહે છે, તેમણે કચ્છમિત્રના આહ્વાનના પગલે નાના બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કરેલી
કામગીરીની આછેરી ઝલક અહીં રજૂ કરી છે. સ્વ. ડો. શાંતુબેન પટેલની ધન્વંતરિ શાળામાં આચાર્યા
તરીકે વર્ષો સુધી એમણે ફરજ બજાવી છે.)