રાપર, તા. 9 : રાપરમાં આખલાઓની અડફેટે થતાં
નિર્દોષ નાગરિકોનાં મોતને લઈને નગરપાલિકા સક્રિય બની છે અને રોજ રખડતાં આખલાઓને પકડીને
પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે તે વચ્ચે
બજારમાં વધુ એ એક વખત આખલા યુધ્ધનો બનાવ બન્ગો હતો. આખલાઓની આ સમસ્યાનો ઉકેલ માત્ર તંત્ર
ઉપર જ જવાબદારી થોપી દેવાથી નહીં આવે.બજારમાં ગમે ત્યાં શાકભાજીની લારીઓ રાખીને અને
સડેલા શાકભાજીનો અને અન્ય કચરો જાહેર રસ્તા પર જ નાખતાં ધંધાર્થીઓ પણ એટલાં જ જવાબદાર હોવાનું જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે. તંત્રની આખલા પકડવાની કામગીરી વચ્ચે શાકભાજીની
લારીવાળાઓને કારણે બે આખલાઓ બસ સ્ટેન્ડથી સેલારીનાકા વચ્ચે જોખમી રીતે બાખડયા હતાં.
શાકભાજી વેચતા લારીવાળા ગમે ત્યાં રોડ પર કચરો ફેંકી દે છે અને આ કચરો ખાવા માટે આખલા
અને અન્ય રખડતાં ઢોર અંદરોઅંદર ઝઘડીને નિર્દોષ નાગરિકોનો ભોગ લેતાં હોય છે. રાપરની
મુખ્ય બજાર, ભુતિયા કોઠા રોડ,
સલારીનાકા, બસ સ્ટેન્ડ, ત્રંબૌ
રોડ, ખોડીયાર મંદિર રોડ, માલી ચોક,
દેના બેન્ક ચોક વગેરે જગ્યાએ અડીંગો જમાવી ટ્રાફિકજામ કરતાં રહે છે તો
અનેક દુકાનદારો દુકાનની બહાર આવેલી ફૂટપાથ પર તગડાં ભાડાં વસુલી આવાં લારીવાળાઓને ઊભા
રાખતાં હોય છે. ઉલ્લેખનીય છે કે બબ્બે શાક માર્કેટ હોવા છતાં તંત્રની ઉદાસીનતાને લીધે
રાપરમાં શાકભાજી વેચતા લારીવાળાઓ બજારમાં જ ઊભા રહીને ટ્રાફિકજામ અને આખલાઓની સમસ્યા
વધારી રહ્યા છે ત્યારે તંત્રએ આ અંગે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવું નાગરિકો ઈચ્છી રહ્યા
છે