ભુજ, તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં
વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઇ રહ્યું
છે. વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ હાઇબ્રિડ એનર્જી પાર્ક કચ્છમાં આકાર લઇ રહ્યો છે.
ભારત સરકારના 2070 સુધીમાં `નેટ ઝીરો' ઉત્સર્જનના લક્ષ્યાંકની દિશામાં કચ્છનો રિન્યૂએબલ
પાર્ક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે. ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં 37 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય
સાથે ખાવડા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર
સોલાર જ નહીં પણ વિન્ડ એનર્જીને એટલું જ પ્રાધાન્ય આ રિન્યૂએબલ એનર્જી પાર્કમાં આપવામાં
આવી રહ્યું છે. રાજકોટમાં યોજાનારી રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં આ પ્રોજેક્ટની
સફળતા વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરાશે. ખાવડા વિસ્તારમાં 72,600 હેક્ટર જમીન પર આર.ઇ. પાર્કનું
કામ હાલમાં ચાલી રહ્યું છે. આર.ઇ. પાર્ક પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂા. 1,50,000 કરોડ આંકવામાં આવ્યો છે. આર.ઇ.
પાર્કનાં નિર્માણકાર્યના લીધે 23,000થી વધુ લોકોને
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. અત્યાર સુધીમાં 11.33 ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઇ
ચૂકી છે. જેમાં સૌર ઊર્જાનો હિસ્સો 9.82 ગીગાવોટ છે, જ્યારે પવન ઊર્જાનો હિસ્સો 1.51 ગીગાવોટ નોંધાયો છે. ડિસેમ્બર 2026 સુધીમાં આ પાર્ક તેની પૂર્ણ
37.35 ગીગાવોટની ક્ષમતા સાથે કાર્યરત
થાય તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. અહીંથી ઉત્પન્ન થતી વીજળીને દેશના અનેક રાજ્યો સુધી પહોંચાડવા માટે પાવરગ્રીડ
કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિશેષ વીજ ટ્રાન્સમિશન નેટવર્ક ઊભું કર્યું છે. આ પ્રોજેક્ટને
કારણે કચ્છના યુવાનો માટે `ક્લીન ટેકનોલોજી' ક્ષેત્રે નવાં કૌશલ્યવર્ધન અને આર્થિક સમૃદ્ધિનાં
દ્વાર ખુલ્યાં છે.