• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

કંડલાથી દેશ માટે વિદ્યાર્થીઓ ટેક્નોલોજી બનાવે

ગાંધીધામ, તા. 9 : કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ પોર્ટને ગ્રીન હાઈડ્રોજન  હબ બનાવાયું છે તે અંતર્ગત દીનદયાલ પોર્ટ કંડલા દ્વારા ગ્રીન હાઈડ્રોજનની દિશામાં અનેક પગલાં લીધાં છે. તેમજ  આ ઊભરતાં ક્ષેત્રમાં કુશળ   કર્મચારીઓ મળે તે માટે ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સાથે ડીપીએ દ્વારા દીનદયાલ કૌશલ  વિકાસ પ્રોગ્રામ અંગે કરાર કરાયા છે. આ અંતર્ગત આદિપુરની તોલાણી પોલીટેકનિક કોલેજ  ખાતે ગુજરાતની પ્રથમ ગ્રીન ટેક્નોલોજી લેબનું  લોકાર્પણ કરાયું હતું. આ લેબોરેટરી   100 ટકા પુન: પ્રાપ્ય ઊર્જા  દ્વારા ચાલી રહી છે. પોલીટેકનિક કોલેજનાં પરિસરમાં બનાવાયેલી લેબોરેટરીનો આરંભ કરાવતા ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં પોર્ટ દ્વારા લેવાયેલાં વિવિધ પગલાંઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે   ઊભરતા આ ક્ષેત્રમાં વ્યાપક તકો છે. તેમણે વિદ્યાર્થીઓને   પોર્ટ કચેરી ખાતે બનાવવામાં આવેલા  ગ્રીન હાઈડ્રોજન એક્સેલેન્સ સેન્ટરની મુલાકાત લઈને પોતાના આઈડિયા આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે આઈડિયા સફળ થશે તેના ઉપર સાથે મળીને કામ કરશું. વિદ્યાર્થીઓ અહીં આવીને સંશોધન કરે અને કંડલામાં બહારથી નહીં કંડલાથી બનેલી ટેક્નોલોજી દેશમાં જાય તે દિશામાં કાર્ય કરવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. ડીપીએ ઉપાધ્યક્ષ નિલાભ્રદાસ ગુપ્તાએ ગ્રીન ટેક્નોલોજી લેબના બનાવવાના કાર્યને બિદરાવ્યું હતું. જીસીબીના ટ્રસ્ટી એ.એચ. કાલરોએ આ લેબોરેટરી  ભાવિ  વિદ્યાર્થીઓને સંશોધન માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.   ગાંધીધામ કોલેજીએટ બોર્ડના  પ્રે. વેંકટેશ્વરલુએ  સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમના હેતુ અંગે પ્રકાશ પાડયો હતો. આ ગ્રીન  ટેક્નોલોજી લેબોરેટરી  સૌર અને પવન ઊર્જાથી સંચાલિત છે, તેના માટે  કોલેજના પરિસરમાં જ પવનચક્કી બનાવવામાં આવી છે. તેમજ સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ ઉભરતા ક્ષેત્ર કેટલા અપગ્રેડ થશે, તે બાબતે લેબનાં માધ્યમથી વિદ્યાર્થીઓને અપગ્રેડ કરાયા છે.  2030માં જે ટેક્નોલોજી  આવશે તેના આવિષ્કાર આ લેબોરેટરીમાં કરાયો છે. લેબોરેટરીમાં ફાયર સેફ્ટી, સૌરઊર્જા ટેક્નોલોજી, હાઈડ્રોજન ઉત્પાદન સમજવા  માટે એક લિટરનો ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું મોડેલ બનાવાયું છે. તેમાં સુરક્ષાના શું  માપદંડ રાખવા તે અંગે પણ જોગવાઈ કરાઈ છે તેમજ ઈલેક્ટ્રિક વ્હીકલનો વ્યાપ વધ્યો છે, ત્યારે  તેની બેટરીનુ ઉત્પાદનબેટરી કઈ રીતે ચાર્જ થાય છે તે સહિતની માહિતી આ લેબનાં માધ્યમથી વિદ્યાર્થીઓને મળશે.  આ વેળાએ ડીપીએના સેક્રેટરી  વાય.કે. સિંઘ, ચીફ એન્જિનીયર રવીન્દ્ર રેડ્ડી, સીવીઓ જે. કે. રાઠોડ, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી, ઓએસડી સી. હરીચંદ્રનજીસીબીના વહીવટી અધિકારી શ્રી આસવાની કોલેજના આચાર્યો વિગેરે  ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd