બિદડા (તા. માંડવી), તા. 9 : બિદડા સર્વોદય
ટ્રસ્ટ ખાતે ચાલી રહેલ 52માં મેગા
મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં ડાયાબિટિસ, થાઈરોઈડ, કીડની રોગ તથા પેટ અને ગેસના રોગો માટેની શિબિરનો
બહોળા પ્રમાણમાં દદીઓએ લાભ લીધો હતો. આ 52મા મેગા સર્જિકલ અને મેડિકલ કેમ્પ અંતર્ગત તા. 4 જાન્યુઆરીના જયકાલ એકસપોર્ટ પ્રા.લિ. (શાંતાક્રુઝ, મુંબઈ)ના સહયોગથી ડાયાબિટિસ અને થાઈરોઈડની શિબિરમાં
ડો. અમૃત વોરા દ્વારા 81 ડાયાબિટિસના
દર્દીઓ તેમજ 71 થાઈરોઈડના દર્દીઓ એમ કુલ 152 દર્દીઓની તપાસણી કરી માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. ડો. વોરાએ જણાવ્યું કે ડાયાબીટીસ અને થાઈરોઈડ રોગને કાબૂમાં રાખવા
માટે દર્દીઓને નિયમિત દવાઓ લેવી જરૂરી છે. આ રોગને નાબૂદ તો કરી શકાય નહીં પરંતુ નિયંત્રણમાં
જરૂર રાખી શકાય છે. તા. 5 જાન્યુઆરીના
વેજબાઈ ચાંપશી મારૂ અને હંસરાજ મારૂ પરિવારના સહયોગથી નેફોલોજી (કિડની રોગ)ની શિબિરમાં
અમેરિકાના ડો. મહેન્દ્ર મારૂએ 44 દર્દીઓને
તપાસી માર્ગદર્શન આપ્યું હતું. આ બીમારી વિષે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે
સમય જતાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,
હદયરોગ અને કિડનીની બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. તે સાથે
કિડનીમાં પ્રોટીનનુ પ્રમાણ વધી જવુ, કેલ્શિયમ ઓછું થવુ અને ફોસ્ફરસ
વધી જવુ પણ હાનિકારક છે. તા. 6 જાન્યુઆરીના ભરત અને સુધા કોઠારી (મીનેસોટા, અમેરીકા)ના યોગદાનથી પેટ અને ગેસ (ગેસ્ટ્રોએન્ટ્રોલોજી)ના
રોગ માટેની શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં અમેરીકાના ડો. અતુલ શાહ અને ડો. જિજ્ઞેશ
મહેતા દ્વારા 165 દર્દીઓની
તપાસણી કરીને જરૂરતમંદ 31 દર્દીઓની
ગેસ્ટ્રોસ્કોપી અને કોલોનોસ્કોપી ટ્રસ્ટના નવનીત ઓપરેશન થીયેટર વિનામૂલ્યે કરાઇ હતી.
ડો. શાહે જણાવ્યું હતું કે મોટા ભાગના દર્દીઓને ગેસ,
એસિડીટી અને અલસરની તકલીફો જોવા મળી હતી, પરંતુ
બાળકોમાં હરણીયા અને ગાંઠ વધુ પ્રમાણ, પિતાશયની નળીમાં પથરીઓ
પણ જોવામાં આવી હતી. સંસ્થાનાં ચેરમેન વિજયભાઈ છેડાનાં જણાવ્યા મુજબ દિવસો દિવસ આરોગ્ય
સેવા મોંઘી થતી જાય છે પરંતુ બિદડા સર્વોદય ટ્રસ્ટ કચ્છની પ્રજાના સેવાર્થે વર્ષોથી
મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરી જરૂરતમંદો અને બીમારીઓથી અજ્ઞાત દર્દીઓની
સેવા અવિરત પણે કરતું આવે છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. સ્થાનિક ટ્રસ્ટી શાંતિભાઈ
વીરા અને ડો. મયુર મોતા દર્દીઓને માર્ગદર્શન આપતા નજરે પડયા હતા.