• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

કચ્છના ચાંદીના કારીગરોની હાલત કફોડી

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 9 : ચાંદીની કિંમતોમાં તાજેતરના બે મહિનામાં કલ્પના પણ ન થઈ શકે તેટલા તીવ્ર ઉછાળાને પગલે કચ્છની સોના-ચાંદી બજારમાં દાગીનાની ખરીદી માંડ 10 ટકા રહી ગઈ છે. વેપારીઓ પાસે કોઈ ઓર્ડર આવતા નથી અને તેને લીધે કારીગરો બેરોજગાર બની ગયા છે. કચ્છમાં ચાંદીના લગભગ પાંચેક હજાર કારીગર છે અને તે પૈકી 400 પાસે તો છેલ્લા બે મહિનાથી કામ નથી જેને પગલે કેટલાક કારીગરો તો નાછૂટકે નાની-મોટી નોકરી, રોટીની લારી જેવા અન્ય વ્યવસાય તરફ વળ્યા છે અને જૂના કારીગરો કહે છે કે, આવી મંદી તો કોઈ દિવસ જોઈ નથી. સમગ્ર ગુજરાત અને દેશના કેટલાક ભાગમાં પણ પ્રખ્યાત એવી કચ્છની જસતી ચાંદીની પાયલના કારોબારમાં પણ બહુ મોટા પાયે ઓટ આવી છે અને તેના સોદા પણ માંડ 10 ટકા રહી ગયા છે. કચ્છમાં ચાંદીનું ઉત્પાદન સહિતનો કારોબાર રોજના લગભગ 400 કિલોનો હતો, પણ તાજેતરમાં તો તે ઘટીને 100 કિલો થઈ ગયો છે. તો અગાઉ જ અસ્તિત્વનો જંગ લડી રહેલા અસલ કચ્છવર્કને આ વખતે મરણતોલ ફટકો પડયો છે, ત્યારે કારીગરો અને વેપારીઓ સરકાર પાસેથી સારા પેકેજ કે ઉપયોગી યોજનાની રાહ જોઈ રહ્યા છે. જો સરકારો સુરતના રત્નકલાકારો માટે પેકેજ લઈ આવે તો ચાંદીના કારીગરોને શા માટે પેકેજ નહીં ? આમ તો છેલ્લા કેટલાક મહિનાથી રજતની કિંમતોમાં વધારાનો દોર શરૂ થઈ ગયો હતો, પણ ઓક્ટોબરથી તો રોકેટની જેમ ભાવ વધવા લાગ્યા. એક તરફ સોલાર પેનલ, ઈલેક્ટ્રોનિક વાહનો અને સેમિકન્ડક્ટરના ઉદ્યોગો, એઆઈના ડેટા સેન્ટરોમાં ચાંદીની મોટા પાયે માંગ અને તેની સામે પુરવઠાની અછત, ચીન સહિતના દેશોની બેન્કો દ્વારા મોટાપાયે ખરીદી, ફેડરલ બેન્કના વ્યાજદર ઘટાડાની ચર્ચાઓ અને ભાવ વધુ ને વધુ ચડશે એવી ગણતરીએ મોટા રોકાણકારોની ભારે ખરીદી સહિતના પરિબળોને લીધે નવેમ્બરની શરૂઆતમાં પ્રતિ કિલો રૂા. 1. 48 લાખની આસપાસ રહેલી ચાંદી પછી ડિસેમ્બરમાં તો એક તબક્કે રૂા. 2. 51 લાખ સુધી પહોંચી જતાં બજારમાં ખળભળાટ મચી ગયો હતો. દિવાળી અને પછીના દિવસોમાં કચ્છમાં પણ સદ્ધર રોકાણકારોએ પોતાની પાસે પડેલાં નાણાં અને ઘણા કિસ્સામાં તો અન્ય રોકાણોમાંથી પૈસા કાઢીને ચાંદી ખરીદી હતી, પણ ચાંદીના દાગીનાની ખરીદી તો નહીંવત રહી ગઈ. આમ કારીગરોની હાલત કફોડી બની ગઈ. અત્યારે બજારમાં વેપારીઓ અને કારીગરો દાગીનાની ખરીદી માટે આવતા ગ્રાહકોની રાહ જ જોઈ રહ્યા છે. - આ તો ભૂકંપ જેવી સ્થિતિ થઈ ગઈ... : માધાપરને ચાંદીના કારીગરોનું મથક ગણાય છે. કારણ કે, અગાઉથી જ ત્યાં કારીગરોની સારી સંખ્યા હતી અને છેલ્લા દાયકામાં તો વાગડ અને માંડવી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કારીગરો આવીને માધાપરમાં વસ્યા છે અને અત્યારે સરેરાશ 200 કારીગર છે, પણ હાલના ભાવવધારાને પગલે મોટા ભાગના પાસે કામ નથી. માધાપરના વેપારી અને કારીગર બિપિન મનસુખલાલ સોની કહે છે કે, દોઢેક મહિનાથી વેપારીઓ પાસે કોઈ ઓર્ડર નથી અને કારીગરો પાસે કોઈ કામ નથી. આપણી જસતી પાયલની ખરીદી પણ અત્યારે સાવ ઘટી ગઈ છે અને હાલમાં તો બાળકના જન્મ બાદ જે ચાંદીના ઘરેણા, પોચીનો વ્યવહાર હોય તે પણ ઓછો થયો છે. કારણ કે, અત્યારે તો 10 ગ્રામની પોચીના પણ રૂા. 200થી 3000 જેટલા થઈ જાય. ભુજના ચાંદીનાં સાંકળાંના અનુભવી કારીગર મનીષભાઈ કોટડિયા કહે છે કે, 30થી 3પ વર્ષથી કામ કરીએ છીએ, પણ આવી મંદી કોઈ દિવસ જોઈ નથી. છેલ્લા બે મહિનામાં તો કિંમતો બહુ વધી ગઈ અને બજારમાં દાગીનાની ખરીદી લગભગ બંધ જેવી છે. માણસો જૂનું દેવા આવે છે. કોરોના વખતે પણ આવી પરિસ્થિતિ નહોતી અને કારીગરો માટે તો જાણે ભૂકંપ જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ખરેખર તો હવે સરકારે સોના-ચાંદીના કારીગરો માટે કંઈક વિચારવું જોઈએ.  - બંગાળી કારીગરો વતન ભેગા થઈ ગયા : અખિલ કચ્છ સોના-ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોની જણાવે છે કે, અત્યારે કારીગરોની સ્થિતિ સારી નથી. બંગાળી કારીગરોનો મોટો વર્ગ તો પોતાના વતન પરત ફરી ગયો છે. બજારમાં નવા દાગીનાની ખરીદી તો સાવ ઓછી થઈ ગઈ છે, બાકી જેમના માટે ખરીદી અનિવાર્ય છે તેઓ જૂના દાગીનાની સામે નવાની ખરીદી કરે છે, એટલે કારોબાર સાવ ઠપ છે એમ ન કહી શકાય. બાકી વિવિધ ઉદ્યોગોમાં ચાંદીની બહુ ખપતને જોતાં જો તેને રેર મેટલ જાહેર કરાશે, તો તેના ભાવ ઓર વધે તેવીય ભીતિ છે. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, બજારમાં અત્યારે વેપાર ઓછા થઈ ગયા છે. રૂલ પ્રેસ, છોલ, પાલીશ, ચેન ચડાવવાવાળા, વીંટવાવાળા વગેરે કારીગરો પાસે અત્યારે નહીંવત કામ છે. કચ્છમાં વર્ષોથી બંગાળી કારીગરોની મોટી સંખ્યા છે, પણ કોરોનાકાળથી તેમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે 800ની આસપાસ બંગાળી કારીગર ભુજ-ગાંધીધામ અને અંજાર સહિતના શહેરોમાં કામ કરે છે, પણ મંદીના સમયમાં બહુ મોટો વર્ગ વતન પરત ફરી ગયો છે અને સ્થિતિ સુધરે તો પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે.  - દોઢ લાખના ભાવે ચાંદી વેચીને હવે અફસોસ ! : આમ તો ચાંદીના ભાવમાં ઘણા મહિનાથી વધારો જારી હતો, પણ ઓક્ટોબરથી તો કિંમતો બેકાબૂ બનતી ગઈ. રજતના ભાવ ઓર વધશે એવી ધારણાને પગલે કચ્છમાં પણ કેટલાય લોકોએ મ્યુચ્યુઅલ ફંડ અને મિલકતોમાંથી પૈસા કાઢીને ચાંદીમાં રોક્યા હતા, તો કારીગરો પૈકી કેટલાક એવા પણ હતા જેમણે એક તરફ કામ ન હોવાને લીધે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ અને બીજી તરફ ચાંદીના ભાવમાં વધારાને પગલે રજત કિલોએ રૂા. દોઢથી પોણા બે લાખે પહોંચ્યું ત્યારે જ વેચી નાખ્યું હતું, પછી ભાવમાં ઓર વધારો થતાં આવા કારીગરો પોતાની ઉતાવળ પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. - કચ્છમાં ઉઠમણું નહીં પણ ઉપાધિ ઘણાને ! : સોના-ચાંદીના બેફામ ભાવવધારાને પગલે ગુજરાતની સૌથી મોટી સોના-ચાંદી બજાર એવા રાજકોટમાં કામકાજમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણી પેઢીઓ કાચી પડી છે. જો કે, માહિતગાર સૂત્રો કહે છે કે, મોટાપાયે ઉઠમણાની વાતો ખોટી છે, પણ અત્યારે અમુક પેઢીઓ મુશ્કેલીમાં છે અને આ પેઢીઓ પણ સદ્ધર હોવાથી મોટે ભાગે ઉઠમણુ નહીં થાય. કચ્છમાં મોટેભાગે વેચાણ મુજબ માલ ખરીદવાનું ચલણ છે, એટલે કોઈ પેઢીઓના ઉઠમણાના અહેવાલ નથી, પણ ભુજમાં એક વેપારી મુશ્કેલીમાં હોવાના ઊડતા અહેવાલ છે. એમસીએક્સ પર ચાંદીની એક્સપાયરી જાન્યુઆરીના અંતમાં આવે છે ત્યારે વધુ ખબર પડશે. 

Panchang

dd