ગાંધીધામ, તા. 8 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના
લોકોને દર ચોથા દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે અને તેમાં પણ અપૂરતું મળતું હોવાની
વ્યાપક ફરિયાદો છે તે વચ્ચે હવે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા લોકોને દરરોજ પીવાનું
પાણી આપવા માટે આદિપુરના ટુ/બી પાણીના ટાંકા હેઠળ આવતા વિસ્તારમાં ટ્રાયલ કરવામાં આવી
હતી. - બે મહિનામાં દૈનિક વિતરણ શરૂ
કરવા વ્યાયામ : દૈનિક પીવાનું
પાણી વિતરણ કરવાની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં ગાંધીધામ સંભવિત પ્રથમ શહેર બનવા તરફ
જઈ રહ્યું છે. હાલના સમયે ગાંધીધામ-આદિપુરમાં દર ચોથા દિવસે લોકોને પીવાનું પાણી મળે
છે તે પણ અપૂરતું મળતું હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં સમસ્યા ગંભીર બને છે
અને લોકોને બુંદ-બુંદ પાણી માટે તરસવું પડે છે. કરોડો-કરોડો રૂપિયાના ખર્ચે ઘર ટુ ઘર
લાઈનો નાખીને આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે,
પરંતુ 31 કરોડના ખર્ચે
નખાયેલી લાઈનોમાં હજુ ઘણા વિસ્તારોમાં કનેક્શનો આપવામાં આવ્યાં નથી એટલે એક સાથે બંને
શહેરોને દૈનિક પાણી આપવું હાલના સમયે સંભવ નથી.
મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા પીવાનાં પાણીની લાઈનો નાખનાર કોન્ટ્રાક્ટરો
પાસે ઘર ટુ ઘર કનેક્શન કરાવાઈ રહ્યાં છે. લગભગ થોડા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે અને
ત્યારપછી તબક્કાવાર અલગ અલગ પાણીના ટાંકાઓ ઉપરથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને આગામી
સંભવત: બે મહિના દરમિયાન આ પ્રક્રિયા પૂર્ણ કરીને દૈનિક પાણી વિતરણ શરૂ કરવામાં આવે
તેવી શક્યતા છે. - વહેલી સવારે
આદિપુરમાં ટ્રાયલ કરાઈ : નાયબ મ્યુનિસિપલ
કમિશનર મેહુલ દેસાઈનો સંપર્ક સાધતાં તેમણે વાતને સમર્થન આપીને આદિપુરના ટુ/બી ટાંકા
હેઠળ આવતા વિસ્તારમાં ઘર ટુ ઘર દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા માટે ટ્રાયલ કરવામાં આવી
હતી અને આગામી સમયમાં તબક્કાવાર તમામ ટાંકાઓ હેઠળના વિસ્તારોમાં ટ્રાયલ કરવામાં આવશે
તેમ જણાવ્યું હતું. આદિપુરમાં વહેલી સવારે લગભગ સાડા પાંચથી છ વાગ્યા દરમિયાન આ ટ્રાયલ
કરવામાં આવી હતી. સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના અમદાવાદ અને ગાંધીધામના અધિકારીઓ
જોડાયા હતા. અગાઉ ચેમ્બર ભવન ખાતે કમિશનરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા બોર્ડ, એસઆરડી, સી.ડબ્લ્યુ.એ.એસ.
તેમજ મહાનગરપાલિકાના પાણી વિભાગના અધિકારીઓ -કર્મચારીઓની બેઠક મળી હતી અને તેમાં ગાંધીધામ-આદિપુર
જોડિયા શહેરોમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા માટેની ચર્ચા કરી હતી. ત્યાર પછી આ ટ્રાયલ
શરૂ કરવામાં આવી છે. - 17 અન્ડર ગ્રાઉન્ડ ટાંકાઓમાં 51 એમએલડી પાણી સંગ્રહિત થશે : તત્કાલીન સમયની નગરપાલિકાથી લઈને અત્યાર સુધીની મહાનગરપાલિકાના
કાર્યકાળ દરમિયાન પાણીના સંગ્રહનો મોટો પ્રશ્ન ઊભો થયો હતો. હાલના સમયે મહાનગરપાલિકાના
10 તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ
કંપની એટલે કે, જીયુડીસીના 130 કરોડના પ્રકલ્પ હેઠળના સાત
એમ કુલ 17 અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં
51 એમએલડી પાણી સંગ્રહ કરી શકાશે, પણ જીયુડીસીના અમુક ટાંકાઓનું કામ ચાલુ છે,
તે પૂર્ણ થાય તેની રાહ જોવી પડે તેમ છે, તો બીજી
તરફ 17 ઓવર હેડ ટેન્કમાં લગભગ 22 એમએલડી પાણી સંગ્રહ થઈ શકશે.
આ ઉપરાંત દીનદયાલ પોર્ટ ઓથોરિટી તથા રેલવે કોલોની અને ઇફકોના અન્ડર ગ્રાઉન્ડ તેમજ ઓવર
હેડ ટેન્કમાં લગભગ દોઢ એમએલડી પાણી સંગ્રહ ક્ષમતા છે. કુલ 71 એમએલડી પાણી સંગ્રહ કરી શકાય
તેવી વ્યવસ્થાઓ ઊભી કરવાની દિશામાં તંત્ર સક્રિય થયું છે અને દૈનિક પાણી વિતરણ માટે
આ વ્યવસ્થાઓ અતિ જરૂરી અને આવશ્યક છે. - દૈનિક 60 એમએલડી પાણીની જરૂરિયાત : ગાંધીધામ-આદિપુરમાં પાંચ લાખથી વધુ લોકોને
દૈનિક પીવાનું પાણી આપવા માટે 60 એમએલડી પાણીની
જરૂરિયાત છે તેની સામે હાલના સમયે 30થી 35 એમએલડી જ
પાણી મળી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે આ બાબતે મહાનગરપાલિકાની ચર્ચાઓ
થઈ હતી અને આગામી સમયમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા માટે 55થી 60 એમએલડી પાણી મહાનગરપાલિકાને મળે તેવી સાંભવનાઓ છે. હાલ શિયાળાની
સિઝનમાં પાણીની જરૂરિયાત ઓછી છે. આગામી ઉનાળાની સિઝનમાં દર ચોથા દિવસે પાણી આપવા માટે
પણ 40 એમએલડી પાણી મળવું જરૂરી છે.
દૈનિક પાણી વિતરણ માટે 60 એમએલડી પાણી
મળવું અતિ આવશ્યક છે.