• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

નલિયા સહિત અબડાસાનાં ગામડાં ઠરી ગયાં...

ભુજ/નલિયા, તા. 9 : કચ્છનું `કાશ્મીર' ગણાતું નલિયા અંતે શિયાળાના આકરા મિજાજનું સાક્ષી બન્યું છે. લઘુતમ તાપમાનનો પારો 24 કલાકમાં પાંચ ડિગ્રી ગગડીને 4.8 ડિગ્રીએ પહોંચી જતાં અબડાસા તાલુકો બરફીલી ચાદર નીચે ઢંકાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 24 કલાકમાં તાપમાન 9 ડિગ્રીથી સીધું 4.8 પર પહોંચતાં જનજીવન સ્થગિત થઈ ગયું હતું. અંજાર-ગાંધીધામમાં પાણ આઠ ડિગ્રીએ વર્તમાન શિયાળાની સિઝનનો ઠંડો દિવસ નોંધાયો હતો. જિલ્લા મથક ભુજમાં 11.2 ડિગ્રી તાપમાને ડંખીલો ઠાર અનુભવાયો હતો. નલિયા વેપારી એસોસીએશનના પ્રમુખ હકુમતાસિંહ જાડેજાએ આ પરિસ્થિતિનો ચિતાર આપતાં જણાવ્યું કે, `ઠંડીની અસર નલિયાનાં જનજીવન પર વ્યાપક પડી છે. દિવસે પણ ભારે ઠાર હોવાથી જે દુકાનો સવારે 7 વાગ્યે ખૂલતી હતી, તે હવે મોડી સવારે 10 વાગ્યે ખૂલી રહી છે. રાત્રે 7 વાગ્યા પછી તો બજારમાં જાણે `જનતા કર્ફ્યૂ' જેવો માહોલ સર્જાય છે. આ કારણે વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. જો કે, ગરમ વસ્તુઓના વેપારમાં થોડી તેજી આવી છે.' - દરિયાઈ પવનોની થપાટ : ટેકરા પર વસેલાં ગામોની હાલત કફોડી  : નલિયાથી આગળ વધતા ગરડા પંથકમાં પણ ઠંડીએ ડંખ માર્યો છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજા (અનુભા)એ વિસ્તારની સ્થિતિ વર્ણવતાં કહ્યું કે, `વાયોર, વાગોઠ, બૈર અને સાંગી સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર ખૂબ વધ્યું છે. ખાસ કરીને અકરી ગામ દરિયાઈ ખાડી ઉપર અને ટેકરા પર હોવાથી સીધા દરિયાઈ પવનો ફૂંકાય છે. દિવસે પણ ઠંડા પવનનાં કારણે ગામ ઠરી જાય છે. - જખૌ બંદર : બોટો થંભી ગઈ : ઠંડી અને પવનના સૂસવાટાની સૌથી વધુ અસર માછીમારી ઉદ્યોગ પર પડી છે. જખૌ બંદર અને માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ અબ્દુલ્લાશા પીરજાદાએ જણાવ્યું હતું કે, `ઠંડા પવન અને ઠંડીનાં કારણે માછીમારી બોટો અત્યારે દરિયામાં જતી નથી. દર શિયાળામાં આ અસર થતી હોય છે, પણ છેલ્લા બે દિવસથી પવનનું જોર એટલું વધ્યું છે કે, માછલીનાં ઉત્પાદન પર મોટી અસર પહોંચી છે. `દરિયાઈ પટ્ટીના પિંગલેશ્વર, સિંધોડી, લાલા અને બુડિયા જેવાં ગામોમાં પણ ઠારનું સામ્રાજ્ય છે. - કોઠારામાં મજૂરોની લાચારી : `િદવસે તડકો, રાત્રે કાતિલ ઠાર' : કોઠારા વિસ્તારના પ્રતિનિધિ મનોજ સોનીના જણાવ્યા અનુસાર, ઠંડીએ કોઠારાની બજારોને સૂની કરી દીધી છે. સૌથી વધુ દયનીય સ્થિતિ વાડીવિસ્તારમાં કપાસ વીણવા આવેલા મજૂરોની છે. આ મજૂરો કાચા ભૂંગામાં અને નાનાં બાળકો સાથે રહે છે. દિવસે તો તેઓ તડકાના સહારે સમય પસાર કરી લે છે, પરંતુ તેમની રાત કાતિલ બની રહી છે. - દૂધનાં ઉત્પાદનમાં ઘટાડો  : માલધારીઓ માટે પણ આ ઠંડી મુસીબત લઈને આવી છે. કોઠારાના માલધારી ભાવેશ ધીરવાણીએ પશુઓની હાલત વિશે જણાવ્યું કે, `ઠંડીથી બચાવવા માટે અમારે પશુઓને શણના કોથળા ઓઢાડવા પડે છે. ઠંડીને કારણે પશુઓનાં દૂધમાં પણ ઘટાડો નોંધાયો છે. - તાપણાં જ એકમાત્ર સહારો  : અબડાસામાં સૂર્યનારાયણનાં દર્શન થાય ત્યાં સુધી અને સૂર્યાસ્ત પછી લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળે છે. લોકો ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાં કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, લોકોએ હવે ઘરની અંદર પણ તાપણાં કરવાનું શરૂ કર્યું છે.  - ભુજ-અંજાર-ગાંધીધામમાં પણ ઠારનો માર : લઘુતમની સાથે મહત્તમ તાપમાન પણ ગગડવા સાથે તેજ ગતિએ બર્ફીલો પવન ફૂંકાતાં આખો દિવસ ઠારનો માર અનુભવાય છે. ભુજમાં 25 ડિગ્રી મહત્તમ સામે 11.2 ડિગ્રી લઘુતમ, તો અંજાર-ગાંધીધામ 14.2 ડિગ્રી મહત્તમ સામે 8 ડિગ્રી લઘુતમ તાપમાને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. - જિલ્લા મથક ભુજમાં નોંધાયેલું તાપમાન ફરી એકવાર ચર્ચાની એરણે ચડયું છે. હજુ બે દિવસ રહેશે ઠંડીનું જોર : પવનની પાંખે ઠંડીએ પોતાનો અસલી મિજાજ દેખાડયો છે, ત્યારે હવામાન વિભાગનાં અનુમાન અનુસાર હજુ બે દિવસ ઠંડીનું જોર રહેશે એ બાદ ક્રમશ: ઠંડીમાં થોડી રાહત મળશે. 

Panchang

dd