• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ભુજ-મુંબઈ વચ્ચે વંદેભારત સ્લીપર ટ્રેન દોડશે

ગાંધીધામ, તા. 9 : રેલવેને આધુનિક ટચ આપવાની દિશામાં  પ્રથમ વંદે ભારત સીટિંગ ટ્રેન દોડાવવામાં આવી, ત્યારે હવે  પ્રવાસીઓને વધુ આરામદાયક સુવિધા આપવા માટે વંદે ભારત સ્લીપર કોચ એસી ટ્રેન દોડાવાશે, ત્યારે ગુજરાતમાં પણ આ ટ્રેન દોડાવાય તેવા અહેવાલો વચ્ચે કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ મુંબઈમાં કચ્છમિત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહર્ષ એલાન કર્યું હતું કે, આ આધુનિક ટ્રેન સુવિધા કચ્છને મળવા જઈ રહી છે. કચ્છમાં  રેલવેની માળખાંકીય સુવિધાઓ વિકસાવાયેલી છે, ત્યારે સેમીહાઈસ્પીડ ટ્રેન દોડાવવા માટે કચ્છનું રેલવે તંત્ર સક્ષમ છે. વિનોદભાઈ કચ્છમિત્ર ઉપરાંત જેવાયએફ અને કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કચ્છમિત્રને કહ્યું કે, થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રેલવેમંત્રી અશ્વિનીકુમાર સાથેની બેઠકમાં તેમણે આ વિશે સ્પષ્ટ રજૂઆત કરી હતી અને તેમને ખાતરી પણ મળી છે. વાતાનુકૂલિત વંદેભારત એસી સ્લીપર ટ્રેનની પ્રથમ સેવા ગૌહાતીથી કોલકાતા વચ્ચે શરૂ થવા જઈ રહી છે. તે વચ્ચે આ  આધુનિક શ્રેણીની ટ્રેનસેવાની ભેટ કચ્છને મળે તેવી ચર્ચા શરૂ થઈ હતી એ વખતે શ્રી ચાવડાની જાહેરાત આવી હતી. કચ્છથી મુંબઈ વચ્ચેની દૈનિક, ત્રિસાપ્તાહિક, સાપ્તાહિક રીતે અનેક ટ્રેનો દોડી રહી છે. તેમ છતાંય મુંબઈ આવવા-જવા માટે  ટિકિટ મળતી નથી. એ જ રીતે  ઉત્તર ભારતને સાંકળતી  રાજધાની દિલ્હી સુધીની દૈનિક ભુજ-બરેલી અને ભુજ-દિલ્હી સરાઈ રોહિલ્લા બે ટ્રેન છે, તેમાંય વેઈટિંગ લિસ્ટના જ પાટિયા ઝૂલે છે. આ પરિસ્થિતિ વચ્ચે કચ્છમાં  દિલ્હી-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેનની જરૂરિયાત છે. જો આ ટ્રેન કચ્છને મળે તો ઉદ્યોગકારોને તેમજ રણોત્સવ સહિતનાં પ્રવાસન સ્થળે આવવા-જવા  માટે મોટો ફાયદો થાય તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ભુજ-દિલ્હી વચ્ચે હાઈસ્પીડ  ટ્રેન દોડાવવાની ગાંધીધામ ચેમ્બર સહિતની સંસ્થાઓએ વખતો વખત માંગ કરી છે તેમજ વિવિધ બેઠકોમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ કચ્છને મળી છે. જિલ્લા મથક ભુજ રેલવે સ્ટેશનનું આધુનિક  ઢબે નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં  વંદે ભારત જેવી ટ્રેનોનો રખરખાવ થઈ શકે તે મુજબ પીટલાઈન બનાવાઈ રહી છે. સામખિયાળીથી ગાંધીધામ સુધી ડબલ ઉપરાંત વધારાની બે રેલવે લાઈન પાથરવાની કામગીરી પણ ગતિશીલતાથી આગળ વધી રહી છે, ત્યારે કચ્છને આ આધુનિક ટ્રેન મળે તે માટેના સક્રિય પ્રયાસ થવા જોઈએ, તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  

Panchang

dd