મુંબઇ, તા. 2 : કચ્છના
લોકપ્રિય પોલીસ ઓફિસર દિલીપ અગ્રાવતનાં જીવન-કવન પર જાણીતા લેખક-પત્રકાર પ્રફુલ શાહ
લિખિત ડોક્યુ-નોવેલ `સરહદનો
સુપરકોપ'નું વિમોચન છઠ્ઠી ડિસેમ્બરે એ. કે. સિંહ - આઈપીએસ (નિવૃત ડીજીપી,
ગુજરાત) કરશે. અમદાવાદના ઇસ્કોન રોડ સ્થિત કલા સ્મૃતિ ખાતે નવભારત સાહિત્ય
મંદિર દ્વારા શનિવારે આયોજિત વિમોચન સમારંભમાં પીઢ પત્રકાર, માજી
તંત્રી અને `કચ્છ ફાઇલ'ના નાયક વિપુલ એન. વૈદ્ય કથા-નાયક-લેખકનો પરિચય કરાવશે, હિન્દી-ગુજરાતી-મરાઠી ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક જયંત ગિલાટર મુખ્ય અતિથિ
અને મુંબઈના ગુજરાતી પત્રકાર વિજય કોટક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કચ્છ ઉપરાંત
સુરત-ભરૂચ સહિતના ગુજરાતના શહેરોમાં શ્રી અગ્રાવત 34 વર્ષની કારકિર્દીમાં કચ્છમાં વરદીધારી દંતકથા બની ચૂક્યા
છે. ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા અગાઉ વીસેક વર્ષ સુધી તેમણે કચ્છમાં ફરજ બજાવી હતી.
શ્રી શાહે આ ડોક્યુ-નોવેલમાં આવરી લીધેલા કિસ્સામાં એકલા હાથે માત્ર એક સરકારી રિવોલ્વર
સાથે સાત-સાત પાકિસ્તાનીને આરડીએક્સ અને હથિયારોના ઝખીરા સાથે પકડવા, જૈશના સૌથી પહેલા ટ્રેઈન્ડ આતંકવાદી શાહનવાઝ ભટ્ટીને જેલભેગો કરવા કરોડોની
બનાવટી ચલણી નોટ ઘૂસાડવાનું નેટવર્ક તોડી પાડવા, કુલ 79 કિલોગ્રામ આર.ડી.એક્સ. ઝડપવાનો વિક્રમ કરવા, સેંકડો કારતૂસ અને અન્ય વિસ્ફોટકોની
જાપ્તિ કરવા સહિતના કિસ્સા આ નવલકથામાં આલેખ્યા છે. ચાર ભાષામાં 50થી વધુ પુસ્તક આપી ચૂકેલા એવોર્ડ વિજેતા પીઢ પત્રકાર, લોકપ્રિય નવલકથાકાર, કોલમિસ્ટ અને ફિલ્મ - ડ્રામા - ટીવી
ને વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહનું `સરહદનો
સુપરકોપ' કચ્છ આધારિત ચોથું પુસ્તક છે. આ અગાઉ તેમણે નવલકથા `લવ યુ કચ્છ', માજી તંત્રી અને વરિષ્ઠ પત્રકાર વિપુલ
એન. વૈધ પર ડોક્યુ-નોવેલ `કચ્છ
ફાઇલ' (અંગ્રેજીમાં એવોર્ડ વિજેતા `કેક્ટસ ક્રાઈમ') અને ગાંધીધામના
દિનેશ કલવાની `લાઇફ આઇ એમ પોસિબલ' (ગુજરાતી,
અંગ્રેજી અને હિન્દીમાં) લખી હતી.