ભુજ, તા. 2 : શંખેશ્વર
તીર્થમાં જહાજ મંદિર એન્કરવાલા ધામે પ્રેમરત્ન માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ
વિજય રત્નશેખર સૂરિશ્વરજી મહારાજાના 50મી
દીક્ષા તિથિ નિમિત્તે પાંચ કુંડીયુક્ત માણિભદ્ર વીર મહાપૂજન આહુતિયુક્ત હવન પ્રસંગ
યોજાયો હતો, જેમાં મુનિ પૂણ્યરત્ન મ.સા., મુનિ નયશેખર
મ.સા. તથા સા. સુનંદિતાશ્રીજી, અમીવર્ષાશ્રીજી મ.સા. ઉપસ્થિત
રહ્યા હતા. આ માણિભદ્ર વીર દાદાના પૂજન હવનનો લાભ માતા રંજનબેન ધનજીભાઈ ભાણજી દેઢિયા
(કચ્છ-કોડાય,હાલે-મલાડ-મુંબઇ) પરિવારે લાભ લીધો હતો. ગુરુદેવના
50મા દીક્ષા દિને બાળકોને નાસ્તો, જરૂરિયાતમંદ પરિવારોને ભોજન સેવા, જીનાલયમાં પરમાત્માને
અંગ રચના, અનુકંપા દાન, સાધુ-સાધ્વીજી ભગવંતોની
ભક્તિ, જીવદયા આદિ અનેક માનવતાના કાર્યો કરાયા હતા. ગુજરાત રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુનિ નયશેખર મ.સા.એ
જણાવેલું કે, ગુરુ એટલે જ્ઞાનનો દીવો, ગુરુ
એટલે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર. ગુરુદેવની મહિમા શબ્દોમાં વર્ણવી
શકાય તેવી નથી. તેઓ જીવનનો સાચો માર્ગ બતાવે છે, સંસ્કાર આપે
છે અને આત્માને પરમ શાંતિ તરફ દોરી જાય છે. ગુરુદેવના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિ
પ્રાપ્ત થાય છે. આ અવસરે પ્રેમરત્ન ભોજન રથની જાહેરાત કરવામાં આવી હતી, સાથે 50મા
દીક્ષા દિન નિમિત્તે 50 લક્કી
ડ્રો જેનો લાભ સેનેલાઈટ ગ્રુપ-અમદાવાદવાળાએ લીધો હતો અને પ્રભાવનાનું આયોજન કરવામાં
આવેલું હતું. આ અવસરે પ્રેમરત્ન માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટે દરેક દાતા પરિવારોની અનુમોદના
કરી હતી. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષભાઈ મહેતા, સુશિલભાઈ શાહે
સંગીતની રમઝટ જમાવી હતી. સાથે શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરિ
દાદાવાડી ટ્રસ્ટ મંડલ દ્વારા સુંદર સાથ-સહકાર પ્રાપ્ત થયેલો હતો. આ પ્રસંગે સંઘો,
ગુરુભક્તો, રાજકીય મહાનુભાવો, સામાજિક, આધ્યાત્મિક અગ્રણીઓ સહિત પ્રશાસનના અધિકારીઓ
મુંબઇ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત વિગેરેથી ઉપસ્થિત રહી આ પૂજન-હવન
તથા માનવતાના પ્રસંગનો લાભ લીધો હતો.