ભુજ, તા. 2 : કચ્છમાં
છેલ્લા કેટલાક દિવસોથી છવાયેલો ધૂંધળો માહોલ વિખેરાતાંની સાથે જ ઠંડીની ચમકમાં વધારો
જોવા મળ્યો છે. નલિયામાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ પારો 10 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં સવાર્ધિક ઠંડી અહીં અનુભવાઈ
હતી. કચ્છી કાશ્મીર એવા નલિયામાં બે જ દિવસમાં લઘુતમ તાપમાન સાત ડિગ્રી ગગડયું છે.
જો કે, મહત્તમ પારો સામાન્યથી વધુ રહેતાં વાતાવરણમાં વિષમતા જળવાયેલી
રહી હતી. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી
નોંધાતાં અહીં મોડી સાંજથી લઈ વહેલી સવાર સુધી ઠંડીનો ઉલ્લેખનીય ગણી શકાય તેવો ચમકારો
અનુભવાયો હતો. લોકોને ગરમ વત્રોનો સહારો લેવો પડયો હતો. આ તરફ જિલ્લા મથક ભુજમાં લઘુતમ
પારો 16 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં સવાર-સાંજ
ઠંડીનો હળવો ચમકારો અનુભવાયો હતો. જો કે, 31 ડિગ્રી
મહત્તમ તાપમાને બપોરના સમયે વાતાવરણમાં ઉષ્ણાતાની અનુભૂતિ થઈ હતી. એક તરફ મોડી રાતથી
પરોઢ સુધી ગરમ કપડાં પહેરવા પડે છે, બીજી તરફ બપોરના સમયે પંખા ફરાવવા
પડે છે. મિશ્ર હવામાનનાં કારણે શરદી, તાવ જેવા સિઝનલ રોગોનું
પ્રમાણ વધી ગયું છે. અંજાર-ગાંધીધામમાં 16.1 અને કંડલા પોર્ટમાં 17.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ નલિયાને બાદ કરતાં
અન્ય મથકોમાં લઘુતમ પારો સ્થિર રહેતાં ઠંડીની ચમક સામાન્ય જ અનુભવાઈ હતી. હવામાન વિભાગના
જણાવ્યાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા હાલ
નહીંવત જોવા મળી રહી છે. વિવિધ વાતાવરણીય પરિબળોનાં કારણે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી
પડે તેવી શક્યતા ઓછી હોવાનું હવામાન શાત્રીઓએ જણાવ્યું છે.