કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 2 : કચ્છનો વિશાળ દરિયાકાંઠો આમ તો પ્રવાસીઓ માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ અબડાસા વિસ્તારનો દરિયો રાજ્યના અન્ય તમામ કાંઠાવિસ્તારો કરતાં એક અલગ જ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે. હાલમાં ઋતુ પરિવર્તનની સાથે અબડાસાના દરિયાકાંઠે કુદરતનો એક અલૌકિક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાં દરમિયાન જે દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આઠથી 10 ફૂટ ઊંચા મોજાં સાથે ગરજતો હતો અને જેનાં પાણી કિનારાની હદ વટાવીને બહાર સુધી ફરી વળતાં હતાં, તે દરિયો હવે સાવ શાંત અને રમણીય બની ગયો છે. ઓક્ટોબર માસ પૂરો થતાંની સાથે જ દરિયામાં મોજાં અને કરંટનું જોર ઘટતાં તે કોઈ મોટાં સરોવર કે જળાશયની જેમ શાંતિથી હિલોળા લઈ રહ્યો છે. દરિયાની આ બદલાયેલી તાસીરને કારણે એક અદ્ભુત ઘટના આકાર લે છે. પિંગલેશ્વર, સુથરી અને સિંધોડી સહિતના કાંઠાળ વિસ્તારમાં ઓટના સમયે દરિયાનાં પાણી કિનારાથી 300થી 500 મીટર સુધી દૂર ચાલ્યાં જાય છે. પાણી ઓસરતાં જ દરિયાના પેટાળમાં છુપાયેલો ખજાનો એટલે કે, વિવિધ આકારના મોટા પથ્થરો, અનોખા ખડકો અને સામાન્ય દિવસોમાં ન જોવા મળતી દરિયાઈ જીવસૃષ્ટિ સપાટી પર ઊભરી આવે છે. જે દૃશ્ય ચોમાસાંમાં તોફાની મોજાંઓને કારણે શક્ય નહોતું, તે હવે નરી આંખે જોઈ શકાય છે. પ્રકૃતિપ્રેમીઓ અને દરિયાઈ જીવસૃષ્ટિના સંશોધકો માટે ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો સ્વર્ગ સમાન છે. જો કે, પૂનમ અને અમાસના દિવસોમાં ભરતીનું જોર વધુ હોવાથી આ દૃશ્ય જોવા મળતું નથી, પરંતુ તે સિવાયના દિવસોમાં ખાસ કરીને સાંજના સમયે ઓટ આવતાં કુદરતી નજારો સોળે કળાએ ખીલી ઊઠે છે. હાલમાં આ દુર્લભ ભૌગોલિક નજારો અને શાંત દરિયાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ અબડાસાના દરિયા કાંઠે ઊમટી રહ્યા છે.