• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

માંડવી દરિયા કિનારે હિન્દુ સ્મશાનનું બોર્ડ તથા ગેટ-દીવાલ બનાવવા માંગ

માંડવી, તા. 1 : અહીંના હિન્દુ સમાજ દ્વારા દરિયા કિનારે હયાત સ્મશાનમાં અંતિમ સંસ્કારવિધિ કરાય છે, પરંતુ એ દરમ્યાન નજીકમાં જ પ્રવાસીઓની અવરજવર તથા ફિલ્મી ગીતોના અવાજથી સ્વજનોની લાગણી દુભાતી હોવાથી નગરપાલિકામાં વૈકલ્પિક ઉકેલની માગણી કરાઇ હતી. અંતિમવિધિ બાદ અસ્થિનું વિસર્જન દરિયામાં વીર આવવા સમયે થઇ જાય તે હેતુ સાથે હિન્દુ સમાજ દ્વારા હયાત સ્મશાન આગળ દરિયા કિનારે અંતિમ સંસ્કાર કરાય છે, પરંતુ હાલમાં દરિયા કિનારે અંતિમવિધિ ચાલુ હતી, ત્યારે ઘોડા, ઊંટ તેમજ બાઇકના-જોરજોરથી હિન્દી ફિલ્મી ગીતોના અવાજ, સહેલાણીઓની અવરજવર તેમજ પ્રવાસીઓ સેલ્ફી પાડતા જણાયા હતા, જેથી સ્વજનોની લાગણી દુભાઇ હતી. આ સમસ્યાના ઉકેલરૂપ માંડવી નગર સેવા સદન દ્વારા સ્મશાનથી દરિયા બાજુ જવાના રસ્તે ગેટ બનાવી `િહન્દુ સ્મશાન' બોર્ડ લગાવવામાં આવે અને દીવાલ તેમજ ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગ એડ. દીપકભાઇ સોનીએ કરી ઉમેર્યું કે, સ્મશાન દીવાલથી પવનચક્કી બાજુ પાયાકીય સુવિધાઓ ઊભી કરી બીચના વિકાસ માટે અને ધંધાર્થીઓને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે. માંડવી નગરપાલિકા દ્વારા ગેસ આધારિત સુવિધા ઊભી કરાઇ છે, પરંતુ તેનો ઉપયોગ ચોમાસામાં જ વધુ કરે છે. અન્ય દિવસોમાં દરિયા કિનારે જ અંતિમવિધિ કરાતી હોવાનું ઉમેર્યું હતું.

Panchang

dd