ભુજ, તા. 1 : શહેરના
સુરલભિટ્ટ રોડ વિસ્તારમાં રોયલ સિટી પાસે આવેલી રાજાશાહી વખતની તળાવડીનાં વહેણ પર દબાણ
કરી તેને ગેરકાયદે રીતે બંધ કરી દેવાયું છે, ત્યારે આ વહેણ ખોલવાની સાથે ભૂમાફિયાઓ
સામે કાર્યવાહી કરવા સ્થાનિક રહેવાસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
હતી. રોયલ સિટીની બાજુમાં આવેલ માહિન રેસિડેન્સીમાં બિનખેતી કરાવનાર કેટલાક તત્ત્વોએ
ધાકધમકી કરી હોવાના આક્ષેપ સાથે ગટર ચેમ્બર જો અમારા વિસ્તાર સાથે જોડવામાં આવશે તો
ગટર ઊભરાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે. ગટરનાં પાણી ઊભરાવવાથી માખી-મચ્છરનો ઉપદ્રવ વધવાની
આશંકા પણ સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી છે. માહિન રેસિડેન્સીનું પાણી રોયલ સિટી અને
આસપાસના વિસ્તારોમાંથી વાળવા પર મનાઈહુકમ આપવા, રાજાશાહી વખતનું
વહેણ ખુલ્લું કરવા, ગરટનાં કનેક્શનની તપાસ કરવા માગણી કરાઈ હતી.