માંડવી, તા. 13 : કોટડી
મહાદેવપુરી ગામે કલાપ્રભસાગર સૂરિશ્વરજી મ.સા., મહોદય સાગર સૂરિશ્વરજી મ.સા., રાજરત્ન સાગરજી મ.સા. આદિની હાજરીમાં મુમુક્ષુ રીયાકુમારી તથા મુમુક્ષુ
હિતાંશીકુમારીનો દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. દેહ, કુટુંબ અને
વૈભવ વિશે સમજ આપી પર્યાવરણની જાળવણી માટે પ્રેરક ઉદ્બોધન કરી કલાપ્રભસાગર
સૂરિશ્વરજી મ.સા. તથા મહોદય સાગર સૂરિશ્વરજી મ.સા.એ કરેમી ભંતેના પાઠ સાથે દીક્ષા
વિધિ કરાવી હતી. મહોદય સાગર સૂરિશ્વરજી મ.સા.એ સંસારને પક્ષીઓના માળાની ઉપમા આપી
બંને બહેન ગુરુકુળવાસમાં આવી ગયા તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. મુમુક્ષુ
રીયાબેનનું નામ રીધ્ધેશગુણાશ્રીજી મ.સા. તથા હિતાંશીબેનનું નામ હિરેશગુણાશ્રીજી
મ.સા.ના શિષ્ય જાહેર કરાયા હતા. આ પ્રસંગે સાગર સૂરિશ્વરજી મ.સા. આદિ શ્રમણ-શ્રમણી
સંતોનું સામૈયું, સામૂહિક સ્નાત્ર, વર્ષીદાન
સાધર્મિક ભક્તિ, પરમાત્મા ભક્તિ તેમજ પ્રવચના અષ્ટોતરા
અભિષેક, `અંતરંગ આનંદ પામવાનો વાસ્તવિક માર્ગ સંયમ' સંવેદના વિશાલભાઇ ધરમશી
તથા સંગીત હર્ષભાઇ શાહ, મયંક મારૂ દ્વારા યોજાયો હતો. નૃત્ય
નાટિકા, સિદ્ધ પદપૂજા, વત્ર રંગોત્સવ,
શોભાયાત્ર, માંગલિક પ્રવચન, સ્નાત્ર મહોત્સવ, દીક્ષા વિધિ સહિતના કાર્યક્રમો
યોજાયા હતા. મુમુક્ષુ રીયાકુમારી ભાવેશભાઇ સાવલા કોટડી મહાદેવપુરી ગામના
ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા તથા મુમુક્ષુ હિતાંશી વિનયભાઇ મોતા દેવપુર ગામના હાલે
મુલુંડમાં રહેતા હતા. બંને બહેનો દ્વારા અનેક તપ-યાત્રા કરાયા હોવાનું જણાવ્યું
હતું. દીક્ષાના વિવિધ ઉપકરણોના ચડાવાનો લાભ વિવિધ દાતા પરિવારોએ લીધો હતો. બંને
મુમુક્ષુના પરિવારજનોએ કોટડી મહાદેવપુરી જૈન મહાજનનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છી
વી.ઓ. દેરાવાસી જૈન મહાજન કોટડી મહાદેવપુરીએ પ્રશમરસનિધિ આ.ભ. આદિ શ્રમણ-શ્રમણી
વૃંદ, દાતા પરિવારો, ગામેગામથી આવેલા
મહાજનોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઇ તથા કચ્છના ગામેગામથી દીક્ષા
પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નરેન્દ્રભાઇ નંદુ, મેઘ નંદુ, કયવન નંદુએ કર્યું હતું.