ભુજ, તા. 11 : ઉત્તર-પૂર્વ દિશાએથી વાતા ઠંડા
પવનની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં એકાદ સપ્તાહથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે ત્યારે લઘુતમ પારામાં સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે ઠંડીની ચમક
યથાવત્ રહી છે. હજુ આગામી સપ્તાહ દરમિયાન આવું વાતાવરણ અનુભવાતું રહેશે તેવી શક્યતા
હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે રાજ્યના સર્વાધિક ઠંડા મથક બનેલા નલિયામાં લઘુતમ
પારો થોડો ઊંચે ચડીને 14.7 ડિગ્રીએ પહોંચ્યો
હતો. રાજ્યમાં ગાંધીનગર, અમરેલી અને
મહુવા પછી નલિયા ચોથા નંબરનું ઠંડું મથક બન્યું
હતું. નલિયા સહિત પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધવાથી જનજીવન
પર અસર વર્તાવાની શરૂ થઇ છે. બજારો વહેલી બંધ થઇ જવા સાથે મોડી સાંજથી લઇ વહેલી સવાર
સુધી જનજીવન ગરમ કપડાંમાં વીંટળાતું જોવા મળી રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન
17.8 ડિગ્રીએ અટકેલું રહ્યું છે.
વહેલી સવારે શાળાએ જતાં બાળકો અને કામ ધંધા અર્થે નીકળેલા લોકો ગરમ કપડાં પહેરી જતા
નજરે જોવા મળ્યા હતા. અંજાર-ગાંધીધામમાં 15.4 અને કંડલા પોર્ટમાં 18 ડિગ્રી તાપમાને આખાય વિસ્તારમાં ઠંડીની ચમક અનુભવાઇ હતી. શહેરી
અને ગ્રામીણ વિસ્તારની તુલનાએ રણકાંધીના પટામાં
ઠંડીનો ચમકારો સવિશેષ રીતે અનુભવાયો હતો. હવામાન વિભાગે જારી કરેલી સાત દિવસની આગાહીમાં
વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને નકારી છે. લઘુતમ પારો 13થી 16 અને મહત્તમ પારો 31થી 33 ડિગ્રી વચ્ચે
રહે તેવો વર્તારો આપવામાં આવ્યો છે.