હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 11 : કચ્છના એસ.ટી. તંત્રમાં ડ્રાઈવર
સહિત વહીવટી સ્ટાફ અને અધિકારીઓની ઘટ, બસપોર્ટમાં નિયમિત સફાઈના અભાવે ગંદકી,
વિભાગીય કચેરીના સંકુલમાં આવેલું આરામગૃહ જર્જરિત બનતાં અન્ય જિલ્લાના
રાત્રિરોકાણ કરતા ડ્રાઈવર-કંડક્ટરો તેમજ સ્ટાફરૂમ માટે આનુષંગિક વ્યવસ્થા અપૂરતી સુવિધા
સહિતની સમસ્યાઓથી કચ્છનું એસ.ટી. તંત્ર ત્રસ્ત બન્યું છે. - જગ્યાઓ ખાલી : જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ
કચ્છનાં એસ.ટી. તંત્રમાં લાંબા સમયથી રાપર, ભચાઉ, ભુજ, નલિયા સહિતના ડેપોમાં
ટ્રાફિક કન્ટ્રોલરની જગ્યા ખાલી છે, તો કેરા પોઈંટ પર ટ્રાફિક
કન્ટ્રોલરને બદલે ડ્રાઈવરને બેસાડવામાં આવે છે, તો આસિસ્ટન્ટ
ટ્રાફિક ઈન્સ્પેક્ટરની સાતેક તો ટ્રાફિક ઈન્સ્પેક્ટરનીયે ઘણી જગ્યા ખાલી પડી છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર આ ખાલી જગ્યાઓ માટે જે વેઈટિંગમાં છે, તેમને બઢતી
આપવાના બદલે `માનીતા' ડ્રાઈવર-કંડક્ટરો પાસેથી વહીવટી કામ લેવામાં
આવી રહ્યો હોવાનોયે આક્ષેપ કર્મચારી વર્તુળોમાંથી થઈ રહ્યો છે. જાણકારોના મતે કેટલાક
કર્મચારીઓ બઢતી સ્વીકારતા નથી, ત્યારે તેના પછીના વેઈટિંગમાં
હોય તેમને બઢતી આપવી જોઈએ તેવો સૂર પણ વ્યક્ત થઈ રહ્યો છે. - ગંદકી-અપૂરતી સુવિધા : શહેરના નવા
બનેલા બસપોર્ટને શરૂ થયે હજુ જાજો સમય થયો નથી, ત્યાં ગંદકી, લિફ્ટ બંધ રહેવી, બાથરૂમમાંથી નવા નળ ગાયબ થવા, સ્ટાફ માટેના બાથરૂમમાં
સફાઈ ન થવી, સ્ટાફ માટેના રૂમોમાં અપૂરતા લાઈટ, પંખા, મોબાઈલના
ચાર્જિંગ પોઈંટ જેવી આનુષંગિક સુવિધાનો અભાવ, સીડીઓ પર પાનની
પીચકારી જેવી ગંદકીની ફરિયાદો ઊઠી હતી. - મહિલા કર્મચારીઓને હાલાકી : બસપોર્ટમાં મહિલા કર્મચારીઓ માટેના રૂમ
પણ આવેલા છે તેમજ સ્ટાફરૂમો અને ખાનગી દુકાનો અલગ-અલગ ન હોવાથી ગમે તેવા લોકો આવી જતા
હોવાથી મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે સુરક્ષાગાર્ડ રાખવાની માંગ થઈ રહી છે. - સુંદરતા જાળવવી જરૂરી : ભુજમાં આવતા કચ્છ અને બૃહદ કચ્છના પ્રવાસીઓની
સુવિધા અર્થે પીપીપી ધોરણે કરોડોના ખર્ચે તૈયાર
થયેલા નૂતન બસપોર્ટની હાલત ધીરેધીરે ખરડાઈ રહી છે. દરરોજ હજારો પ્રવાસીનાં આવાગમન હોવાથી સ્વાભાવિક
છે કે, ગંદકી-કચરો થવાનો જ હોય, પણ આ બાબતે ધ્યાન ન અપાતાં સુંદર
અને સુવિધાસભર આ બસપોર્ટ દૂષિત થાય છે તેને અટકાવવાની માંગ ઊઠી હતી. બસપોર્ટ આગળની
દુકાનોનો નિર્ણય તો જ્યારે આવે ત્યારે, પણ ત્યાં સુધી આ નૂતન
બસપોર્ટની સુંદરતા જળવાઈ રહે, યોગ્ય સફાઈ થાય તે જરૂરી છે. - ફાયર સેફટીનાં સાધનો ધૂળ ખાય
છે : બસપોર્ટમાં આગના બનાવથી બચવા ફાયર સેફ્ટી માટેનાં સાધનો તો વસાવાયાં
છે, પરંતુ આ સાધનો યોગ્ય જગ્યાએ લગાવવાના બદલે એક
જગ્યાએ ઢગલો કરી મૂકી દેવાયાં છે. - અમુક પોઈંટ પર અવ્યવસ્થા : પશ્ચિમ કચ્છ, પાવરપટ્ટી અને બન્ની વિસ્તારના પ્રવાસીઓ માટેના
પ્લેટફોર્મ નંબર 2, 3, 4ના
પોઈંટ પાસે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા નહીં હોવાથી આ મુસાફરોને બસ આવવાના સમય સુધી
ઊભા રહેવું અથવા તો જમીન પર બેસી રહેવું પડતું હોય છે. દરમ્યાન આ અંગે વિભાગીય નિયામક
એન. એસ. પટેલનો સંપર્ક સાધતાં તેમણે બઢતીની પ્રક્રિયા નિયમ મુજબ થતી હોવાની સ્પષ્ટતા
કરી હતી, જ્યારે સફાઈ પણ સમયાંતરે થતી હોવાનું જણાવ્યું
હતું.