• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

શ્વેતરણ વચ્ચે મહાતંબુનગરીનું થશે નિર્માણ

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 11 : દુનિયાના સૌથી મોટા નમકના રેગિસ્તાન વચ્ચે દર વર્ષે યોજાતો કચ્છ રણોત્સવ ઉત્તરોત્તર આકર્ષણરૂપ બની રહ્યો છે. વિસ્તારની ઓળખ સમા કલાત્મક કચ્છી ભૂંગાઓના સમૂહને સાંકળી નિર્માણ થયેલ વિલેજ રિસોર્ટે ભારે લોકચાહના મેળવી છે. સફેદ રણના કાંઠે ઉત્સવ દરમ્યાન ઊભી થતી તંબુનગરી પણ દેશી-વિદેશી પર્યટકોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું છે. દર વર્ષે તંબુનગરીની વધતી માંગને લઇ ગુજરાત પ્રવાસન નિગમે હાલની તંબુનગરીની ઉત્તરે સફેદ રણ વચ્ચે 1600 તંબુઓનો સમાવેશ કરી આકર્ષક મહાતંબુનગરીનાં નિર્માણની ગતિવિધિ શરૂ કરી દીધી છે. સંભવત: આવતાં વર્ષના રણોત્સવ દરમ્યાન આ મહાતંબુનગરી મહેમાનોને આવકારવા સજ્જ-ધજ્જ બની શકે છે. મહોત્સવને માણવા આવતા મહેમાનોના માન-સન્માન માટે પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ થતી તંબુનગરીએ પણ ઉત્તરોત્તર સફળતા મેળવી આકર્ષણ જમાવ્યું છે. દર વર્ષે આ તંબુનગરીમાં રોકાવા આવતા પર્યટકોની વધતી ભારે સંખ્યાને લઇ હાલની તંબુનગરી ટૂંકી બની છે. આગામી વર્ષથી શ્વેતરણની વધુ નજીક વિશાળ રણ વિસ્તાર વચ્ચે 1600 તંબુઓના સમન્વય સાથે એક જ સ્થળે ચાર બ્લોકમાં પાયા અને રસ્તાઓની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ધોરડોના સરપંચ અને પ્રવાસન એમ્બેસેડર મિયાંહુસેન ગુલબેગ મુતવા (દાદા)એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલની તંબુનગરીથી ઉત્તરે 500 મીટરના અંતરે મહાતંબુનગરી ઊભી કરવાના ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે. ચાર અલગ અલગ વિભાગોમાં કુલ્લ 1600 તંબુઓનું નિર્માણ થશે. આ તંબુનગરી ચોતરફ 3 કિ.મી. ડામર રોડ તેમજ દરેક વિભાગને સાંકળવા રિંગરોડ અને આંતરિક આર.સી.સી. રોડની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. રૂા. બાવન કરોડના ખર્ચે નિર્માણ થતા આ પાકા રસ્તાઓનું કામ હાલ લગભગ પૂર્ણતાને આરે પહોંચ્યું છે. ઊભી થનાર મહાતંબુનગરીમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત હશે. વી.વી.આઇ.પી. અતિથિઓ માટે અલાયદા ઊભા થનાર ખાસ રજવાડી અને દરબારી તંબુઓનું નિર્માણ થયા પછી આસપાસ કોઇ ખલેલ કે અડચણ રહેશે નહીં. આ મહાતંબુનગરીની આસપાસ વોક-વેની પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવશે. જેને લઇ પ્રવાસીઓ રણવચાળે વોક કરતાં કરતાં સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત કુદરતી દૃશ્યો માણી શકશે. શ્વેત છાજલીથી છવાયેલ અફાટ રણ વચ્ચે પૂર્ણિમાના પૂરી કળા સાથે ખીલેલા ચંદ્રમાનો નજારો પણ પર્યટકો મનભરી માણી શકે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તંબુઓની શૃંખલા વચ્ચે કચ્છી સંસ્કૃતિની ઝલક, સ્વાદિષ્ટ ભોજન, મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પાર્કિંગ, વાઇફાઇ, ગતિવિધિ કેન્દ્ર કક્ષ, બાળકો માટે ખેલ ક્ષેત્ર, રેસ્ટોરન્ટ, ગૃહ વ્યવસ્થા, સંમેલન કક્ષ જેવી અનેક સવલતો ઊભી કરાશે. 

Panchang

dd