ગાંધીધામ, તા. 10 : કચ્છનાં
આર્થિક પાટનગર તરીકે ઓળખાતાં ગાંધીધામને મહાનગરપાલિકા મળ્યા બાદ અનેક વિકાસ કામોનો
ધમધમાટ ચાલી રહ્યો છે, તો અનેક નાગરિકો માટે પીડાદાયી
રાજવી ફાટક પાસે ઓવરબ્રીજનું કામ છેલ્લા કેટલાક મહિનાઓથી ખોરંભે ચડયું છે.
મહિનાઓથી અટકેલા પ્રકલ્પને સમયસર આગળ વધારવા માટે પ્રજાકીય પ્રતિનિધિઓની રજૂઆત બાદ
પણ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાની ફરીયાદો ઉઠી છે. કંડલા પોર્ટ અને
આજુબાજુમાં ઔદ્યોગિક એકમો તેમજ મોટી સંખ્યામાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોના કારણે
અનેક લોકો રાજવી ફાટક પાસેથી અવરજવર કરે છે, દિવસમાં અંદાજિત
80
કરતા વધુ
ટેન આ ફાટક પાસેથી પસાર થતી હોવાના કારણે વારંવાર ફાટક બંધ થાય છે, નાગરિકોના સમયનો વ્યય
થાય છે, આ મુશ્કેલી નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ ફાટક
પાસે ઓવરબ્રીજ બાંધવાની મંજૂરી અપાઈ હતી. ઓવરબ્રીજ નિર્માણની શરૂઆતના તબક્કે રેલવે
વિભાગ અને રાજ્ય સરકારના સંયુકત ઉપક્રમે બ્રિજ બાંધવાની દિશામાં ગતિવિધિ હાથ ધરાઈ
હતી. આ મુદ્દે ચાલેલા વિવાદના અંતે રેલવે વિભાગ દ્વારા પોતાના ભાગનો બ્રિજ
બાંધવાની દિશામાં કવાયત આરંભી છે. હાલમાં રેલ વિભાગના કબજાનો ઓવરબ્રીજ નિર્માણ
પામી ચૂકયો છે. બીજીબાજુ રાજ્ય સરકાર હસ્તગતના પ્રકલ્પનું કામ ઘોંચમાં મુકાયુ છે.
આ બ્રિજ નિર્માણ માટે કંડલા એરપોર્ટ તરફ જતા માર્ગ ઉપર અંદાજિત 350 મીટર
લંબાઈ અને 10 મીટર પહોળાઈ માટે બી.એસ.એફ.ની 3130 ચો.મીટર
જમીન સંપાદન કરવાની છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન માટે મોટાભાગની
પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ છે,
હવે માત્ર કબજો લેવાનો બાકી છે. સુરક્ષાના માપદંડને કેન્દ્રમાં
રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કબજો મેળવવા માટે ઢીલાશ કરી રહી હોવાનુ
માહિતગારોએ જણાવ્યું હતું. આ પ્રકલ્પમાં સુરક્ષાદળની જમીનનો કબજો આપવાની પ્રક્રિયા
મહિનાઓથી ખોંરભે ચડી છે. દિલ્હી કક્ષાની કચેરી આ કામમાં વિલંબ થતો હોવાનુ
માહિતગારોએ ઉમેર્યું હતું. દરમ્યાન ગત ઓગસ્ટ મહિનામાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા દિલ્હી જઈને આ મુદ્દે રજૂઆત કરાઈ હતી. જેને
લઈને ગૃહવિભાગના જોઈન્ટ સેક્રેટરી સુષ્મા ચૌહાણે યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી.
નોંધપાત્ર છે કે, ગળપાદર મુંદરા ચાર માર્ગીય રસ્તાનાં કામ
વખતે પણ સુરક્ષાદળની મંજૂરીના કારણે વર્ષો સુધી કામ આગળ ધપી શકયુ ન હતું. હાલમાં
રાજવી ઓવરબ્રીજ નિર્માણનાં કામ પણ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં
સુરક્ષાદળની જટિલ પ્રક્રિયાના કારણે આગળની
પક્રિયા આગળ ધપી શકતી નથી. જેને લઈને નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ
ઉપરાંત આ પ્રકલ્પમાં ઈમર્જન્સી રિસપોન્સ સેન્ટરના દરવાજા સામે આર.ઈ. વોલ બનાવવા
માટે જોગવાઈ કરાઈ હતી. અલબત્ત ઈ.આર.સી. સેન્ટર દ્વારા આપતકાલીન સંજોગોમાં ઝડપી
વાહન પસાર થઈ શકે તે માટે દરવાજા સામેના ભાગને ખુલ્લો મૂકી ઓવરબ્રીજ બાંધવો એવો
અનુરોધ કરાયો હતો. આ કામ માટે વધારાના ખર્ચ માટે પુરતા પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી
ન હોવાના કારણે આ જગ્યાએ પણ કામ અટકયું છે. સ્થાનિક વહીવટતંત્રના સંકલનના અભાવે આ
પ્રકલ્પ છેલ્લા કેટલાય સમયથી ખોરંભે ચડયો છે. નાગરિકોની રોજિંદી સમસ્યા ઉકેલવા
માટે સરકાર અને પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા ખાસ દરકાર ન લેવાતી હોવાના કારણે
નાગરિકોની મુશ્કેલી વધી હોવાના આક્ષેપો ઉઠયા છે.