ભીરંડીયારા, તા. 10 : છેલ્લા 17 વર્ષથી સ્થાનિક બન્ની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ બન્ની નસલની ભેંસો અને પશુઓની પ્રજાતિ કાયમ રહે તે હેતુથી પશુમેળાનું આયોજન કરાય છે. હોડકો ખાતે યોજાયેલા મેળાના સમાપન પ્રસંગે બખ-મલાખડાએ આકર્ષણ જમાવ્યું હતું. કચ્છના બન્નીમાં યોજાતો આ મેળો માત્ર પશુઓની ખરીદી-વેચાણ માટે જ નહીં, પરંતુ કચ્છની લોક સંસ્કૃતિ, વેશભુષા, સંગીત, લોકકળાને પણ ઉજવવાનો અવસર છે. બે દિવસીય યોજાયેલા પશુમેળામાં વિવિધ હરીફાઈઓનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા થયેલાઓને આકર્ષક ઈનામોથી નવાજાયા હતા. બીજા દિવસે યોજાયેલા બખ-મલાખડાને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઊમટયા હતા. મેદની બેકાબૂ પોલીસ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. મેળાની મોજ માણવા ઠેર-ઠેરથી આવેલા લોકોએ વળતી સાંજે ભીરંડીયારા બસ સ્ટોપ પર ગરમાગરમ માવાની મોજ માણી હતી. અન્ય ખાણી-પીણીના સ્ટોલો પર ભારે ભીડ જોવા મળી હતી.