મુંદરા, તા. 4 : તાલુકાનાં રામાણિયા ગામના પ્રેરણાસ્તંભ
અને સમાજસેવક સ્વ. નેમજીભાઈ રાંભિયાની પ્રતિમાનાં નિર્માણકાર્યનો તાજેતરમાં `પ્રતિમા શુભારંભ વિધિ' સાથે આરંભ થયો હતો. આ પ્રસંગે પૂ. મહિમાજી મહાસતીજીએ
જૈન ધર્મના સિદ્ધાંતો પર વ્યાખ્યાન સાથે આશીર્વચન
આપ્યાં હતાં. સ્વ. નેમજીભાઈનાં સપનાંઓને સાકાર કરવા તેમજ તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવવા
સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરતા આયોજન સમિતિએ જણાવ્યું કે, તેમની પ્રતિમા હવે શાંતિભાઈ સાવલાનાં માર્ગદર્શન હેઠળ સ્થાપિત થશે. આ પ્રતિમા
આગલી પેઢીઓને સેવા, નમ્રતા અને પ્રગતિ માટે પ્રેરણા આપતી રહેશે.
આ પહેલાં, યોજાયેલા કાર્યક્રમમાં માંડવી- મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ
દવેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આયોજકોએ
જણાવ્યું કે, સ્વ. નેમજીભાઈ રાંભિયાએ તેમના જીવનકાળમાં રામાણિયાના
વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ગામમાં હાઈસ્કૂલ, ટેલિફોન,
વીજળી અને બેંક જેવી સુવિધાઓનું આયોજન કરાવ્યું હતું. રોજગારની તકો ઊભી
કરવા લિજ્જત પાપડ ઉદ્યોગની શરૂઆત 1972માં કરી, ત્યારે
એક કિલો દીઠ મજૂરી 25 પૈસાથી હતી, જે આજે વધીને એક કિલો દીઠ રૂ. 55 સુધી થઈ છે. આજે આ મહિલા લિજ્જત પાપડ કેન્દ્ર સાથે રામાણિયા
ઉપરાંત 11 ગામની મહિલાઓ આત્મનિર્ભર બની
છે. આ પ્રસંગે નેમજીભાઈના પરિવારજનો, દીકરી પ્રીતિબેન, જમાઈ નરેન્દ્રભાઈ કેશવજી છાડવા,
દોહિત્રી મિહિકા તેમજ નેમજીભાઈના ભાઈ બચુભાઈના દીકરા હેમંતભાઈ રાંભિયા
(બિદડા સર્વોદય ટ્રસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામના વડીલો, સર્વે સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, લિજ્જત
પાપડના સંચાલિકા બહેનો વિ. ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ
ભક્તિ ખુશાલભાઈ સાવલા અને કાંતિભાઈ સાવલાએ કર્યું હતું.