ભુજ, તા. 3 : શહેર સુધરાઇ દ્વારા લાખો-કરોડો
રૂપિયાનું આંધણ કરાતું હોવા છતાં ભુજવાસીઓને સારા અને ટકાઉ માર્ગ નસીબ નથી. શહેરમાં
અનેક માર્ગોનું નવીનીકરણ તો અનેકના પેચવર્ક સહિતનાં કામો સતત કરાતા હોવા છતાં શહેરીજનોનું
નૂતન વર્ષ ખાડાવાળા માર્ગો પરથી જ પસાર થતાં ખૂબ નારાજગી ફેલાઇ હતી. નૂતન વર્ષને આવકારવા
લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. રહેણાક, શેરી વિસ્તારોમાં શુશોભન કરાતું હોય છે અને દીવાળી પહેલાનું અઠવાડિયું તો જાણે
દરેકનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે, પણ આ વખતે આ ઉત્સાહને ભુજના માર્ગોએ
મંદ પાડી દીધો. શહેરની શેરીઓ તો ઠીક અનેક મુખ્ય માર્ગોની હાલત દયનીય બની છે. મસમોટા
ખાડા અને માર્ગોના ધોવાણને પગલે લોકોની હાલત કફોડી બની છે. નવાઇની વાત તો એ છે કે,
ભુજ સુધરાઇ દ્વારા નવા બનેલા માર્ગોનું અસ્તિત્વ પણ લાંબો સમય નથી ટકતું.
છેલ્લાં 20થી 25 વર્ષનો હિસાબ માંડીએ તો માર્ગો
નવા બનાવવા અને સુધારણા પાછળ અધધધ નાણાં વપરાયા હોવા છતાં લોકોના ભાગે તો ખાડા જ આવ્યા
છે. ભુજમાં બસ સ્ટેશન, સ્ટેશન રોડ,
સરપટ નાકા બહાર, કોટ અંદરનો વિસ્તાર, સંજોગનગર આસપાસ, ખેંગારબાગથી રામધૂન સુધીનો માર્ગ સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડા વાહનચાલકોને પછડાટ આપી રહ્યા છે. રામધૂન નજીકનો
મોટો ખાડો તો આડેધડ મોટા કાંકરા નાખી પૂરાણ કરાયું છે, જેથી વાહનચાલકોની હાલાકી વધી ગઇ છે. સ્ટેશન રોડની હાલત
તો લાંબા સમયથી દયનીય બની છે. બન્ને તરફના માર્ગો પર મોટા ખાડા પડી ગયા હોવાથી લોકોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ સુધરાઇ દ્વારા માર્ગોનું રિનોવેશન
કરાય છે અને શહેરીજનો નવા માર્ગ નિહાળી રાજીપો પણ વ્યક્ત કરતા હોય છે, પરંતુ આ ખુશી લાંબો સમય નથી ટકી શકતી અને ફરી જૈસેથેની સ્થિતિ થઇ જતાં નારાજગી
ફેલાઇ હતી. જો કે, માર્ગ બનાવનારા કોન્ટ્રાક્ટર સાથે સુધરાઇ દ્વારા
માર્ગની જાળવણી અંગે ત્રણેક વર્ષનો કરાર કરાતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. તેમ છતાં
માર્ગ લાંબો સમય ટકતા ન હોવા પાછળનું કારણ જાગૃત નાગરિકોને અકળાવી રહ્યું છે. રાજ્ય
સરકાર દ્વારા માર્ગો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાતી હોય છે, જેથી
નાણાંની તંગીનો છેદ ઊડી જાય છે, તો પછી હજુ પણ વધુ નાણાં ફાળવવા
મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે કે કેમ તેવો વેધક સવાલ પણ ભુજવાસીઓ સુધરાઇના સત્તાધીશોને
પૂછી રહ્યા છે.