• બુધવાર, 12 નવેમ્બર, 2025

દિવાળીએ ભુજ સ્વામિ. મંદિર 1.51 લાખ દીવડાઓથી ઝગમગશે

ભુજ તા. 12 : અન્નકૂટ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌવર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો હતો. 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવવર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ વર્ષે અન્નકૂટ ઉત્સવની સાથે દીપાવલિના દિવસે ભુજમાં 1.51 લાખ દીવડાથી ઝગમગી ઉઠશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટોત્સવ સમગ્ર દેશ-વિદેશના મંદિરોમાં ઉજવાય છે. આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે તેની સાથે શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતાં ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, આ નૂતન સ્વામિનારાયણ મંદિરના 15 વર્ષ દરમ્યાન યોજાયેલા અન્નકુટ ઉત્સવો દરમ્યાન 25 લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે. આ વર્ષે હજારો મણ અન્નપુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રામાં સૂકા મેવા, મસાલા મળી અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસ, પાર્ષદ કોઠારી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજી, કોઠારી ગૌલોકવિહારી દાસજી, શાંતિસ્વરૂપદાસજી, પુરષોતમ-સ્વરૂપદાસજી, કૃષ્ણવિહારીદાસજી વિગેરે 51 સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત, હરિકૃષ્ણદાસજી, ધ્યાનસ્વરૂપદાસજી, હરિશ્વરૂપ-દાસજી, હરિદાસજી, પ્રેમ- વલ્લભદાસજી, હરિપ્રસાદ-દાસજી, નૌતમચરણદાસજી સાથે 100થી વધારે સંતો, સત્સંગી હરીભક્ત ભાઈ-બહેનો, સાંખ્યયોગી બહેનો કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ રંગોલીનું આયોજન કરાયું છે. દીપાવલિના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ એકાવન હજાર દીવડાથી ભુજ મંદિરને સુશોભિત કરી શણગાર કરવામાં આવશે. 175થી વધારે વિવિધ સ્વાદિષ્ટ વાનગી અન્નકૂટમાં ધરાવાશે. તો 19000 જુદા જુદા લોટ અને બેસનમાંથી 5000 કિલો ફાફડા, 3500 કિલો મગજ, 3500 કિલો સુખડી, 1500 લોટ મોતીયા લાડું, 1500 કણી મોનથા, 3000કિલોનું ફરસાણ, 1000 કિલોનું મિષ્ટાન બનાવવા માટે 750 ગુણી ખાંડ, 750 દેશી ઘીના ડબ્બા, 400 ડબ્બા તેલ વિગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહા દીપોત્સવ અંતર્ગત તા. 20/10ના લક્ષ્મીપૂજન સાથે ચોપડા પૂજન, તા. 21/10ના દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને તા. 22/10 ના સવારે 9 વાગ્યેથી સાંજે 5 વાગ્યા સુધી અન્નકુટ દર્શન વિગેરે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી દ્વારા જણાવવામાં આવ્યું છે. બે લાખથી વધારે ભક્તોને આ અન્નકુટનો પ્રસાદ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોમાં અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનિયા, નૈરોબી, તાંઝાનિયા, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ, યુ.એ.ઈ અને અન્ય દેશોમાં એર સુવિધા સાથો સાથે ભારતના દરેક રાજ્યમાં વસ્તા સંપ્રદાયના સત્સંગીઓને પણ પ્રસાદ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. 

Panchang

dd