જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 12 : વર્ષ 1014માં ગઢશીશા પંથકના ગંગાપર ગામ
ખાતે રાજ્ય સરકાર તથા લોકભાગીદારીથી ચાર કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે અતિ આધુનિક કહી શકાય તેવી એનિમલ હોસ્ટેલનું
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળમાં કાર્ય આરંભાયું હતું. પરંતુ કોઇ
કારણોસર આ પ્રકલ્પને ધારી સફળતા ન મળી અને તેનો હેતુ પણ સિદ્ધ થયો નહોતો. આ એનિમલ હોસ્ટેલનું
`બાળમરણ'
થયું હોવાનો અહેવાલ `કચ્છમિત્ર'માં ઓગસ્ટ
2025માં છપાયા બાદ તંત્રના પેટનું
પાણી ન હાલ્યું, પણ ગ્રામજનોએ ચિંતા સેવી
આ પ્રકલ્પને ગૌશાળામાં તબદીલ કરવા નેમ લીધી અને નવરાત્રિથી 10 દિવસ પહેલાં સતત 10 દિવસ ગ્રામજને દિવસ-રાત સફાઇ અભિયાન હાથ ધરી દયનીય દેખાતી એનિમલ
હોસ્ટેલની સફાઇ જાતમહેનતથી કરી આ પ્રકલ્પને ગૌશાળામાં ફેરવ્યો છે. ગૌશાળામાં ગૌમાતાનો
પ્રવેશ વાજતે-ગાજતે મીઠું મોઢું આપી વૈદિક યજ્ઞહોમ કરી કરાવાયો હતો. ગૌશાળાના પ્રમુખ
કાંતિભાઇ વાસાણી, ગંગાપર સેવા
સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ તુલસીભાઇ દિવાણી તથા અગ્રણી ગોવિંદભાઇ શિવજી દિવાણીએ જણાવ્યું
હતું કે, જ્યારથી આ એનિમલ હોસ્ટેલનું નિર્માણ થયું ત્યારથી સંચાલનના
અભાવે બંધ પડી હતી અને બંજર બની હતી,
પરંતુ `કચ્છમિત્ર'માં આપેલ અહેવાલનાં પગલે ગ્રામજનોએ ચિંતા જગાવી,
સાથે વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ
દવે પણ આ બંધ પ્રકલ્પ અંગે સતત ચિંતા સેવી આ પ્રકલ્પ પુન: પ્રારંભ થાય તેવી લાગણી વ્યક્ત
કરતા હતા ત્યારે ગ્રામજનોએ જાગરૂકતા દર્શાવી આ પ્રકલ્પને હાથમાં લીધો હતો. લાઇટ ફિટિંગ,
પ્લમ્બિંગ તથા વેલ્ડિંગ જેવાં કામો પણ ગામના જ યુવાનો દ્વારા કરાયાં
છે. વાવાઝોડાંમાં નુકસાન પામેલ પતરાંના શેડ તથા અન્ય નુકસાની માટે સરકાર સર્વે કરી
સુધારો કરે તેવી માંગ કરી છે. ગાયોને ચારા માટે હાલમાં નિભાવ માટે તિથિ યોજના તથા દાતાઓ
દ્વારા દાનની જાહેરાત કરાઇ છે. આ કામગીરીમાં ગામના મનસુખ વાસાણી, મણિલાલ ભગત, નીલેશ ભગત, જયંતી દિવાણી,
વસંત દિવાણી, પૂર્વ સરપંચ દેવજીભાઇ સંગાર,
દેસરભાઇ સંગાર, કિશોર દિવાણી, હિતેશ ભગત, જગદીશ ભગત, હિરેન વાસાણી,
લખમશી ઠાકરાણી, રમણીકભાઇ દિવાણી, રવજીભાઇ વાસાણી, પરેશ ઠાકરાણી, ધીરજ માકાણી, વસંતભાઇ દિવાણી તથા મહિલા મંડળના સુનિતાબેન ભગત, નયનાબેન
ઠાકરાણી, વિમળાબેન માકાણી, શાંતાબેન વાસાણી,
વર્ષાબેન દિવાણી તથા ટીમ જોડાઇ હતી. શિવશંકરભાઇ જોશીએ યજ્ઞવિધિ તથા ભૂમિ
શુદ્ધિકરણ કરાવ્યું હતું. જિલ્લા પશુ અધિકારી ડોકટર રાજેશ પટેલ, ગઢશીશા પશુ દવાખાનના ડો. દેસાઇ,માંડવી પશુ ડોકટર દિશાબેન પટેલએ માર્ગદર્શન પૂરું પાડી આગામી પશુઓ
માટેનો કેમ્પ ગંગાપર ખાતે યોજવા આયોજન હાથ ધર્યું છે.