• બુધવાર, 12 નવેમ્બર, 2025

દેશી ખાતર સાથેની કુદરતી ખેતીની હાકલ

નખત્રાણા, તા. 12 : તાલુકાના વિગોડી ગામે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત સરકારના માર્ગ મકાન (પંચાયત વિભાગ) હસ્તક 83 લાખના ખર્ચે નિર્માણ થનાર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે પાર્ટીના અગ્રણીઓ, સ્થાનિક અગ્રેસરોની ઉપસ્થિતિમાં કરાયું હતું. વર્તમાન સમયમાં ખેતપેદાશ, ખેતીમાં વપરાતા રસાયણીક ખાતર, દવાના અતિરેક ઉપયોગથી ખાદ્ય અનાજ, ફળોમાં ગુણવત્તા ઘટી છે. આવી વસ્તુ આરોગ્ય માટે નુકસાનકારક છે, માટે પરંપરાગત દેશી ખાતરના ઉપયોગથી ઓર્ગનાઇઝ્ડ ખેતી અપનાવવી જરૂરી છે, તેવું ખાતમુહૂર્ત પ્રસંગે  વકતવ્યમાં જણાવતા ધારાસભ્યે ગાય આધારિત ખેતી કરવા સલાહ આપી હતી. શ્રી જાડેજાએ ગામની વિષ્નુ સમાજવાડીમાં ડોમના નિર્માણ માટે રૂા. 5ાંચ લાખ ફાળવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે, તે માટે યોજનાનું કામ પ્રગતિમાં છે, ઉપરાંત વિગોડીથી રામપર-નેત્રા ટૂંકા માર્ગથી જોડતા રસ્તાનું કામ સહિત માગણીના વિકાસકામો પૂરાં કરવામાં કોઇ કચાશ નહીં રખાય. આરંભમાં સ્વાગત પ્રવચન ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડે કરતા ધારાસભ્યના પ્રયત્નોથી વિકાસકામો થયાં છે, તેની વિગતો આપી હતી. રાજેશભાઇ પટેલ, લાલજીભાઇ રામાણીએ વિતેલા સમયમાં આ વિસ્તારમાં કદી નથી થયાં તેવાં વિકાસકામોની હરણફાળ થયાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલે વિગોડી ગામે દિવાળી પછી પાટીદાર સમાજના સામાજિક કાર્યક્રમ પૂર્વે બિસમાર રસ્તાનું નવીનીકરણ શરૂ થતાં આભારની લાગણી વ્યક્ત કરી હતી. જિ.પં. આ. સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, તા.પં. કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, સરપંચ ભરતભાઇ વાઘેલા, ઉપસરપંચ હીરાલાલ પટેલ, મહેન્દ્રભાઇ ઠક્કર, રમેશ ગોરાણી, ખીમજી ભાવાણી, અમૃતલાલ લીંબાણી, નરપતસિંહ જાડેજા, બાબુભાઇ શાંખલા, ગ્રા.પં. સદસ્ય અલીમામદ સુમરા, હરિલાલ બળિયા, મહેશભાઇ દેસાઇ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. શાત્રી ભરત મારાજે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાવી હતી. આભારવિધિ આશિષભાઇ (શિક્ષક)એ કરી હતી. 

Panchang

dd