• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વિદ્યાર્થીઓને ઉચ્ચ આદર્શો અપનાવી મહેનત કરવા સલાહ

સાંયરા (યક્ષ), તા. 12 :  નવયુવક મિત્ર મંડળ-અનુસૂચિત જાતિ સમાજના ઉપક્રમે ગામમાં સૌ પ્રથમવાર `સાવિત્રીબાઇ ફૂલે તેજસ્વી તારલાઓનું સન્માન' કાર્યક્રમમાં 95થી વધુ  શિક્ષણક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ અને નોકરી મેળવેલા યુવાનોનું સન્માન કરાયું હતું. પ્રારંભમાં નારણભાઈ ફુલિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. દક્ષાબેન મહેશ્વરીએ  ઉદ્બોધનમાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નો કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા આપી. નવીનભાઈ ધોરિયાએ શાળાની પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોનાં યોગદાન અંગે માહિતી આપી હતી. ભરતભાઈ મહેશ્વરીએ વિદ્યાર્થીઓને ઉચ્ચ આદર્શો અપનાવાની અને મહેનત સાથે જીવનમાં આગળ વધવાની સલાહ આપી હતી. કાર્યક્રમમાં ભીમજીભાઈ મહેશ્વરીએ શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂરિયાતની તાકીદ કરી અને વિદ્યાર્થીઓને યોગ્ય દિશા દર્શન આપ્યું હતું. તેમજ યોગેશ ગરવાએ યુપીએસસી/જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ઉદ્બોધન આપ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત તથા સરકારી નોકરીમાં પસંદ થયેલા 95થી વધુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નખત્રાણા તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષિકા અને કલ્યાણપર પ્રાથમિક શાળાનાં આચાર્યા દક્ષાબેન મહેશ્વરી, સાંયરા (યક્ષ) પ્રાથમિક શાળાના આચાર્ય નવીનભાઈ ધોરિયા તથા માધ્યમિક શાળાના શિક્ષક ભરતભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માટે આર્થિક સહયોગ દાતા પરિવાર પૂર્વ સરપંચ કમળાબેન ધીરજભાઈ નાકરાણી તરફથી તેમનાં પુત્ર પ્રદીપભાઈ નાકરાણી દ્વારા આપવામાં આવ્યો હતો. મગનભાઈ રામજીભાઈ નાકરાણી તથા જયાબેન મગનભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રહલાદ મહેશ્વરી અને આભાર ધનજીભાઈ મહેશ્વરી દ્વારા વ્યક્ત કરાયો હતો. સાંયરા (યક્ષ) નવયુવક મિત્ર મંડળ-અનુસૂચિત જાતિ સમાજના યુવાનોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. 

Panchang

dd