ભુજ, તા. 12 : સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર
રહેતા લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા વિવિધ જરૂરતમંદ દર્દીઓના અમદાવાદની હોસ્પિટલમાં નિ:શુલ્ક
ઓપરેશન કરી અપાયા હતા. બાયપાસ અને મગજને લગતી શત્રક્રિયા સાથે એક કિસ્સામાં લીવરનું
સફળ પ્રત્યારોપણ કરાયું હતું. ગાંધીધામના રાઠોડ ચંદુભા લક્ષ્મણભાઇને હૃદયરોગનો હુમલો
આવ્યો હતો. હૃદયનું પમ્પિંગ ઓછું હતું. જેના
માટે ખૂબ વધારે ખર્ચ લાગે તેમ હોતાં પુત્રી રેખાબેન દ્વારા લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડિકલ
ચેરમેન મનસુખભાઇ શાહને જાણ કરાતાં અમદાવાદની હેલ્થવન હોસ્પિટલમાં ડો. ચિરાગ ભટ્ટ અને
ડો. વર્ષાબેન શાહ અને તેમની ટીમ દ્વારા આ જટિલ હાર્ટ બાયપાસ સર્જરી આયુષ્માન કાર્ડ
દ્વારા સંપૂર્ણ નિ:શુલ્ક સફળતાપૂર્વક કરી આપી હતી. પત્ની ગીતાબેન રાઠોડ સાથે આવેલા
આ દર્દીએ ત્યારે મેડિકલ ચેરમેન મનસુખ શાહ, ડિસ્ટ્રીકટ ગવર્નર અભય શાહ, ભુજ ક્લબ પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત
સોની, સેક્રેટરી હીરજી વરસાણી, જોઇન્ટ સેક્રેટરી
ઉમેશ પાટડિયા, લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના ચેરમેન સંજય દેસાઇ,
જગદીશ સોની, ઇશાન ટાંક, શૈલેન્દ્ર
રાવલ, અનુપ કોટક સહિત પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મૂળ
લાખોંદના અને માધાપરના પૂર્વ ઉપસરપંચને થોડા સમય પહેલાં પેટમાં વારંવાર દુ:ખાવાથી તેઓએ
મેડિકલ તપાસ કરાવતાં લીવરમાં પ્રોબ્લેમ હોવાનું જણાયું હતું. જેના માટે તેમને ખૂબ મોટો
ખર્ચ આવે તેમ હોતાં તેમણે લાયન્સ ક્લબ ઓફ ભુજના સભ્ય ભરતભાઇ ગઢવીને જાણ કરી હતી. અમદાવાદની
એચ.એલ. ત્રિવેદી કિડની હોસ્પિટલમાં તેમનું આ જટિલ લીવર ટ્રાન્સપ્લાન્ટ ડો. પ્રાંજલ
મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ક્લબ સેક્રેટરી હીરજી વરસાણી તેમજ
ટ્રેઝરર વિજય માંડલિયાએ કાર્યને બિરદાવ્યું હતું. તો ભુજના રંજનબેન પ્રભાશંકર પંડયાના
પગની ચાર નળી બ્લોક થઇ ગઇ હતી. ચેકઅપ કરાવતાં તેમને વેરીકોસ વેનની નશોનું બ્લોકેજ બહાર
આવ્યું હતું. જેના માટે તેમને પગની નશોનું બાયપાસ કરાવવું તાત્કાલિક જરૂરી હતું. જે
ભુજના સ્નેહલ ઝવેરીએ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડિકલ ચેરમેનને જાણ કરતાં અમદાવાદની હેલ્થવન
હોસ્પિટલમાં ડો. ચિરાગ ભટ્ટ અને વર્ષાબેન શાહે પગની બાયપાસ સર્જરી આયુષ્માન કાર્ડ દ્વારા
સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપી. સ્વસ્થ થયેલા દર્દીએ
લાયન્સ ક્લબ ઓફ ભુજનો આભાર માન્યો હતો. આ તરફ ભુજના જયા કનવરને થોડા સમય પહેલાં માથામાં
અસહ્ય દુ:ખાવો વારંવાર રહેતો હતો. તેમને સારવાર બાદ માલુમ પડયું કે, તેઓને મગજના ભાગમાં પાણી ભરાઇ ગયું છે. ક.વી.ઓ. ભુજના ટ્રસ્ટી હિરેનભાઇ સાવલાએ
લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડિકલ ચેરમેનને આ દર્દી વિશે જાણ કરતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં
ડો. જૈમીન શાહ અને ડો. પાર્થ દલાલ તથા તેમની ટીમ દ્વારા આ મગજનું જટિલ ઓપરેશન સંપૂર્ણ
નિ:શુલ્ક કરી અપાયું હતું. કોટડી મહાદેવપુરીના દેવચંદભાઇ માણેક ખીમસરિયાને પગમાં ઇન્ફેક્શન
થઇ આવતાં ભયંકર દુ:ખાવો થતો હતો. ચેકઅપ કરાવતાં તેમને વેરીકોસ વેનની નશોનું બ્લોકેજ
બહાર આવ્યું હતું. તેમના બનેવી બિપીનભાઇ સુંદરજી ગાલા, હિમાંશુભાઇ
દેઢિયાને જાણ કરતાં અમદાવાદની હેલ્થવન હોસ્પિટલમાં ડો. ચિરાગ ભટ્ટ અને ડો. વર્ષાબેન
શાહે દર્દીની સામાન્ય ભૂલના કારણે આ દુ:ખાવો ફરી ઉપડતાં ભુજની સંઘવી મલ્ટિ સ્પેશિયાલિટી
હોસ્પિટલના નિષ્ણાત ડો. સિદ્ધાર્થ શેઠિયાએ ભારે જહેમત બાદ આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર
પાડયું હતું.