• બુધવાર, 12 નવેમ્બર, 2025

કચ્છ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા કેન્યામાં 29મી શાળા લોકાર્પિત કરાઈ

ભુજ, તા. 10 : કેન્યા -નાઈરોબી પાસેના અંતરિયાળ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ-સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા નિર્મિત 29મી શાળાનું લોકાર્પણ એસજીવીપીના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. કેન્યામાં બહોળી સંખ્યામાં ગરીબ ગામડાં છે, જ્યાં શાળાની દયનીય હાલત છે, આ જોઈ અગ્રણી દાતાઓએ 50 શાળા નિર્માણનું ભગીરથ કાર્ય કરવા ધાર્યું હતું. જેમાંથી 29મી શાળા લોકાર્પણ કાર્યક્રમમાં કાનજીભાઈ વરસાણી (કે. સોલ્ટ), સામત્રા ગ્રુપના સભ્યો, રાજકીય આગેવાનો, ધર્મગુરુ, વિદ્યાર્થી-શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી તથા સાથેના અગ્રણી દાતાઓએ અહીંની જૂની શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની હાલત ભારે દયનીય હતી. બે-ત્રણ ક્લાસરૂમ માત્ર પાતળી લાકડીઓના ખપાટિયા અને ગારાના બનેલા હતા. આ શાળામાં બારી-બારણાંની જરૂર નહોતી, કારણ કે, ગારાની દીવાલમાં ઠેર-ઠેર બાકોરાં પડેલાં હતાં! સિમેન્ટની ખાલી થેલીઓનો ઉપયોગ બ્લેકબોર્ડ, એબીસીડી તથા ગણિતના સૂત્રો લખવા માટે થયો હતો! જ્યાં બેસવાની બેંચોની પણ વ્યવસ્થા ન હોય, ત્યાં કોમ્પ્યુટરની તો વાત જ ક્યાં કરવી ? આપણા ગુજરાતના ગરીબમાં ગરીબ વિસ્તારમાં પણ આવી બિસમાર હાલતની શાળાઓ નહીં હોય. આ એક ગામની વાત નથી, કેન્યામાં આવા તો સેંકડો ગરીબ ગામડાંઓ છે, જ્યાંની શાળાઓની હાલત લગભગ એકસરખી જ છે. કચ્છ-સામત્રા હિન્દુ કોમ્યુનિટીએ કેન્યાના આવા અંતરિયાળ વિસ્તારના ગરીબ ગામડાંઓમાં 50 સ્કૂલ બાંધવાનો સંકલ્પ કર્યો છે. કે. સોલ્ટવાળા કે. વરસાણી અને એમના ધર્મપત્ની ધનબાઈના પરિવારે 50માંથી 10 શાળા સ્પોન્શર કરી છે. 50માંથી 29 શાળાનું બાંધકામ થઈ  ચૂક્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામીજીએ દાતાઓને ધર્મભૂમિ ભારત સાથે કર્મભૂમિ કેન્યામાં સેવા કરવા બદલ બિરદાવ્યા હતા. તેમણે સામત્રા ગ્રુપની વિદેશી ધરતી પર હિન્દુ ધર્મનું ગૌરવ વધારતું સેવાકાર્ય ગણાવ્યું હતું. કચ્છ-સામત્રા મિત્ર મંડળ -કે. વરસાણી, દેવશી વિશ્રામ વરસાણી, દિનેશ ધનજી વરસાણી, મનજી હરજી વરસાણી, મેઘજી વેલજી વરસાણી, મેઘજી કરશન વરસાણી, ભીમજી ગોપાલ વરસાણી, લાલજી કરશન વરસાણી આ પ્રશંસનીય કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. માધવપ્રિય સ્વામીએ ઉદ્બોધન કરતાં સર્વે દાતાઓને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, `આપ સર્વે આપની ધર્મભૂમિ ભારતને તો ભૂલતા જ નથી, સાથે-સાથે કર્મભૂમિ કેન્યામાં પણ આટલી સેવા કરો છો, એ જોઈને અમારા અંતરમાં આનંદ થાય છે.

Panchang

dd