મુંદરા, તા. 10 : ટ્રાફિક નિયમન અને ગુનાખોરી
તપાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે એવા હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં
માર્ગો પર સક્ષમ કેમેરાઓ લગાવવાની યોજના `નેત્રમ' રાજ્યભરની સાથે કચ્છમાં પણ તબક્કાવાર
આગળ વધી રહી છે. આ શ્રેણીમાં પશ્ચિમ કચ્છ પોલીસ તળે પાટનગર ભુજમાં 16 સ્થળે કેમેરા ગોઠવી દેવાયા
બાદ હજુ વધુ નવા 18 સ્થાને કેમેરા
ગોઠવવા સાથે વિસ્તાર થશે જ, પણ, હવે બાકીના નગરપાલિકા વિસ્તારને આવરી
લેતા બીજા તબક્કાનો આરંભ મુંદરાથી થઈ રહ્યો છે, જે અંતર્ગત મુંદરા-
બારોઇ નગરપાલિકા વિસ્તારમાં 12 સ્થળે આધુનિક કેમેરા લાગશે. સત્તાવાર પોલીસ સૂત્રોએ આ સંદર્ભે વધુમાં કહ્યું
કે, ત્રણ તબક્કામાં સમગ્ર યોજના ગોઠવાયેલી છે અને
પશ્ચિમ કચ્છમાં બીજા તબક્કામાં મુંદરાની મહત્ત્વની જરૂરિયાતને ધ્યાને લઈને કેમેરા ગોઠવવા માટે 12 સ્થળની પસંદગી કરાઈ હતી, જેમાં 35 ફિક્સ-સ્થિર કેમેરા લાગ્યા
છે, જ્યારે 93 પીટીઝેડ પ્રકારના કેમેરા અને
32 એએનપીઆર કેમેરા લગાડવામાં આવી
રહ્યા છે. ભુજમાં કેમેરા લાગ્યા બાદ તંત્રને બહુ ઉપયોગિતા સાબિત થઈ છે. હવે મુંદરામાં
કામ આગળ વધી રહ્યું છે. નોંધનીય છે કે, ગૃહવિભાગની આ યોજના અંતર્ગત ભુજ એ મુખ્ય મથક છે અને આવા દરેક હેડક્વાર્ટરમાં `કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' રહેશે. આવા દરેક સેન્ટર જિલ્લા સ્તરે
`નેત્રમ'
નામ સાથે સક્રિય છે. પૂર્વ કચ્છમાં ગાંધીધામ પછી ભચાઉ, રાપર વિસ્તારમાં કામ થાય છે. જાહેર અને લોકભાગીદારી મળીને પીપીપી મોડલના આધારે
ચાલતી આ યોજનામાં પ્રથમ તબક્કામાં અત્યાર સુધી કુલ 41 સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે ગાંધીનગર મુખ્ય મથકમાં ત્રિનેત્ર નામ
સાથે સંચાલન થાય છે.ત્રીજા તબક્કામાં હજુ વધારાની નવી નગરપાલિકાઓ તથા હજુ વધારાના કેમેરાઓ
ઉમેરાશે. આ યોજના હેઠળ મોટા શહેરો, વધુ નગરપાલિકા વિસ્તાર તેમજ
સીમા વિસ્તાર પણ આવરી લેવાની યોજના છે. સમગ્ર યોજનામાં પીજીવીસીએલની ઊર્જા,
બીએસએનએલની નેટ કનેક્ટિવિટીથી સંકલન ભૂમિકા છે અને સમગ્ર સંચાલન અને
નિરીક્ષણ ભુજ નેત્રમ ઓફિસથી થશે. - નેત્રમના કેમેરાની વિશેષતા
: એએનપીઆર (ઓટોમેટિક નંબર
પ્લેટ રેકગ્નિઝેશન) : જે નંબરપ્લેટ અને નંબરને ઝડપીને ડ્રાઇવિંગ, ઓવર સાટિંગ, સીટ બેલ્ટ,
રોંગ સાઈડ વગેરે સંબંધી ગુના પરથી દંડ ફટકારી શકે છે.- આરએલવીડી (રેડ લાઈટ વાયોલેશન ડિટેકશન)
: આ કેમેરો ટ્રાફિક સિગ્નલ એક્ટિવ થવાની સાથે કામ શરૂ કરે છે.- પીટીઝેડ (પાન ટીલ્ટ ઝૂમ) : આવા કેમેરાને
ઉપર-નીચે, આજુબાજુ એમ 360 ડિગ્રીમાં ચારે બાજુ ઝૂમ ઇન
અને ઝૂમ આઉટ કરીને દૃશ્યને ઈચ્છા મુજબ જોઈ શકાય છે. આવા કેમેરા ધરણા, રેલી, સરઘસ સમયે સ્થિતિ પર નજર રાખે છે. - ક્યાં લાગશે
કેમેરા ? : પ્રાગપર ચોકડી (સૂચિત હાઈવે) - અહિંસાધામ પાસે - પાવાપુરી ચાર રસ્તા - રેમન્ડ શો-રૂમ પાસે - બારોઇ પંચાયત - શાત્રી મેદાન - બસ સ્ટેશન - સરનાથધામ પાસે (પ્રાગપર ગામ) - શક્તિનગર - આદર્શ ટાવર - ઝીરો પોઇન્ટ - રાશાપીર સર્કલ (માર્ગ નિર્માણ બાદ)