કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 9 : તૈયાર વત્રોના પૂર અને ઓનલાઈન
ખરીદીનાં ઊછળતાં મોજાં વચ્ચે પણ દરજીકામ કરતા કારીગરોની નાવ અડીખમ રહી છે. આમ તો બારેમાસ
લોકોને નાના-મોટા સિલાઈકામની જરૂરત રહેતી હોય છે,
પણ ખાસ કરીને તહેવારો ટાંકણે દરજીઓની બોલબાલા યથાવત્ રહી હોવાનું આ વ્યવસાય
સાથે સંકળાયેલા કારીગરોને મળતા જાણવા મળ્યું હતું. દિવાળી પર્વની રોનક જામી રહી છે,
ત્યારે નવરાત્રિ પહેલાથી જ કપડાં સીવડાવીને પહેરનારો વર્ગ પોતાના મનગમતા
દરજીની દુકાનનાં પગથિયાં ચડી જાય છે અને દિવાળી સુધી કપડાંની જોડી સીવી આપવાની આશા
રાખે છે. વહેલા તે પહેલાનાં ધોરણે દરજીઓ પણ કામ કરી આપવા તૈયારી દર્શાવતા હોય છે,
પરંતુ જેમ-જેમ નવરાત્રિના દિવસો પૂર્ણ થતા જાય છે તેમ-તેમ વધારાનું કામ
લેવામાં ટેઈલર અસહમત થતા જાય છે. જો કે, યેનકેન કારણોસર મોડા
પડતા વર્ષો જૂના ગ્રાહકોને આ કારીગરો સાચવી લઈ સંબંધને પણ મજબૂત દોરાથી બાંધી લેતા હોય છે. ઓનલાઈન ખરીદીએ થોડાં વર્ષો પહેલાં સ્થાનિક
દુકાનદારોને ભારે અસર પહોંચાડી હતી, પણ સમય વીતતાં ગ્રાહકો ફરી સ્થાનિક જૂના - જાણીતા વેપારીઓ
પાસેથી ખરીદી કરતા થયા હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તૈયાર વત્રોની અઢળક વેરાયટી અને ડિઝાઈન, કલર ઉપલબ્ધ હોવા
છતાં પેન્ટ-શર્ટ સીવડાવીને પહેરનારો વર્ગ આજે પણ તેમની પસંદ પર કાયમ રહે છે. નૂતન વર્ષને
આવકારવા નવા વત્રો પહેરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે, ત્યારે
સિલાઈ કારીગરોની બજાર કેવી છે તે જાણવા કચ્છમિત્રએ કારીગરોનો સંપર્ક સાધતાં દિવાળીની રોનક તેમના ચહેરા
પર સ્પષ્ટ દેખાતી હતી. છેલ્લાં 40 વર્ષથી પેન્ટ-શર્ટ સિલાઈકામમાં ભુજમાં કાઠું કાઢી નામના મેળવનારા
મનીષભાઈ લાખાણીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે,
કપડાં સીવડાવનારા વર્ગમાં કોઈ ઘટ નથી આવી. નવરાત્રિથી જ ઓર્ડર લેવાનું
બંધ કરી દેવા છતાં અમુક જૂના ગ્રાહકોને સાચવવા પડતા હોવાનું ઉમેર્યું હતું. પેન્ટ-શર્ટમાં
નવું શું ચાલે છે તે અંગે પૂછતાં જણાવ્યું કે, જૂની ફેશન પાછી
આવી છે. બેલબોટમ પેન્ટ અને એપલકટ શર્ટ લોકોની પસંદ બની રહ્યા છે. શ્રી લાખાણીએ ખાસ
ઉમેર્યું કે, લોકોનું જીવનધોરણ ઊંચુ આવતાં કાપડની ક્વોલિટીમાં
કોઈ બાંધછોડ નથી કરતા, રેમન્ડ અને અરવિંદ કંપની આજે પણ લોકોની
પસંદ બની રહી છે તેમ કહ્યંy હતું. તો મહિલાઓના વત્રો સીવવાના વ્યવસાય સાથે છેલ્લાં ત્રીસ
વર્ષથી જોડાયેલા કિરણભાઈ સોલંકીએ જણાવ્યું કે, રનિંગમાં પહેરવા મહિલાઓ-યુવતીઓ તૈયાર વત્રો લઈ લે છે, પણ નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોએ કપડાં સીવડાવવાનો
ક્રેઝ જળવાઈ રહ્યો છે. કલીવાળો પ્લાઝો ક્યાંય તૈયાર ન મળે તેવું ઉદાહરણ આપી આવી અનેક
બાબતોને કારણે સિલાઈકામમાં કોઈ ફેર ન પડયો હોવાનું ઉમેર્યું હતું. હાલમાં પેન્ટ પ્લાઝો
સૂટ, ટ્રાઉઝર પેન્ટ સૂટ, કલીવાળો પ્લાઝો
સૂટ, સરારા, બ્લાઉઝ પીસમાં પ્રિન્સેસ કટ,
નવા ટ્રેન્ડમાં મધુબાલા સ્ટાઈલ, ઓલ્ટરનેટ હાઈનેક
અને સબ્યસાચી બ્લાઉઝની માંગ રહે છે. નવરાત્રિથી નવા ગ્રાહકનું કામ ન લેતા હોવાનું શ્રી સોલંકીએ જણાવ્યું હતું.
જી.એસ.ટી.ની આ કામ પર કોઈ જ અસર ન હોવાનું ઉમેર્યું હતું. નવાં વર્ષે તૈયાર થતા વત્રોની
મજબૂત સિલાઈ જેમ જ મજબૂત દોરાથી લોકો સાથેનો સંબંધ પણ દરજીકામ સાથે સંકળાયેલા કારીગરો
મજબૂત કરી રહ્યા હોવાનું ભુજની બજારની મુલાકાતે જાણવા મળ્યું હતું.