રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 8 : માંડવી શહેર
એવું છે કે, અન્ય શહેરો કરતાં દુકાનો,
મકાનોના ભાડાં ઊંચા રહે છે અને પ્લોટોના ભાવ પણ વધારે રહે છ,
પરંતુ તે સામે ધંધા-રોજગારમાં બહુ જ મંદી રહે છે અને વાર-તહેવાર કે દિવાળીના
નજીકના જ દિવસોમાં માંડવીની બજારોમાં તેજી દેખાય છે, જેથી દિવાળીના
દિવસો નજીક આવી રહ્યા છે, પણ માંડવીની બજારોમાં હજી પણ સુસ્તીનો
માહોલ છે. મુખ્ય બજાર કે.ટી. શાહ રોડ ઉપર દુકાન ભાડે કે વેચાતી લેવી હોય તો ભાવ સાંભળતાં
જ પરસેવા આવી જાય તે સામે ધંધા-રોજગાર નથી તેવું વેપારીઓ ખુદ કહી રહ્યા છે,
પણ દિવાળી, નવરાત્રિ, હોળી,
ધુળેટી કે વર્ષમાં આવતી બે-ત્રણ ઇદના દિવસોમાં ધંધા-રોજગાર મળી જતાં
રોજીરોટી મળી રહે છે, જેથી શહેરની બજારો કાયમી ટકેલી હોવાનું
જણાય છે અને માંડવીની બજારો ગામડાંઓ ઉપર નિર્ભર છે. સારો વરસાદ પડે, ખેતીમાં સારી આવક થાય તો વેપારીઓની દિવાળી સારી જાય પણ ચાલુ વર્ષે હજી સુધી
પણ વરસાદ અને વાવાઝોડાં સહિતની આગાહી વચ્ચે માંડવીની બજારોમાં સવાર-સાંજ બજારોનો રાજા
દેખાઇ રહ્યો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. તહેવારોને માત્ર ચાર-પાંચ દિવસ રહેશે ત્યારે ગામડાંઓના લોકો જરૂર ખરીદી માટે ઊમટશે તેવી આશા
સેવી રહ્યા છે અને હવે સમયમાં પણ પરિવર્તન છે, સારી વસ્તુની ખરીદી
અને ફરવામાં લોકો જરૂર રૂપિયા વાપરે છે, જેથી માંડવીની સુખી અને
શાંત જનતા ફટાકડા ફોડવામાં નહીં ઘટે તેવી આશા બંધાઇ છે. આ અંગે માંડવીની મુખ્ય બજાર
કે. ટી. શાહ રોડ પરના વેપારી ગોપાલભાઇ ગઢવી તથા વિરમભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે,
નવરાત્રિના દિવસોમાં ગ્રાહકી સારી હતી. આજે લોકો પોતાના ખર્ચ કરતાં બાળકો
માટે વધુ ખર્ચ કરતા હોય છે જેથી સારી વસ્તુ
માટે અને જમાના મુજબ અમે લાઈવ કરતા આવીએ છીએ, જેથી ધંધો-રોજગાર
મળી રહે છે. ભલે હાલમાં માંડવીની બજાર સુસ્ત જરૂર છે પણ અમે દિવાળીની તૈયારીમાં છીએ.
કેમ કે ગ્રાહકોને વધુ પસંદગીનો માલ મળી રહે તે મુજબ ગોઠવણી કરીએ છીએ અને દિવાળીને માત્ર
ચાર-પાંચ દિવસ રહેશે ત્યારે નગરની બજારો ચોક્કસ
છલકાઇ રહેશે. ત્રીજી પેઢીથી મોચીકામ કરતા સુમારભાઇ મહેશ્વરી કહે છે કે, સમય બદલાયો જરૂર છે, પણ કુદરત ચાંચ આપે છે તેને ચણ જરૂર
મળી રહે છે જેથી હવે નવી પેઢી ચંપલ કે બૂટ સીવડાવવા જેવા કામને ઓછું પસંદ કરે છે પણ કાયમી જે ગ્રાહક બંધાયેલા છે,
તેમાંથી રોજીરોટી મળી રહે છે અને માંડવીની બજાર તો હમણા નિયમિત બજાર
જેવી છે અને હજી દિવાળી જેવું કાંઇ લાગતું જ નથી, સોનું લે-વેચ
માટે ધમધમતી માંડવીની કંસારા બજારમાં વિશાલભાઇ સોનીએ જણાવ્યું હતું કે, સોનાના હાઇએસ્ટ ભાવથી લોકોનું બજેટ જરૂર ખોરવાયું છે. જે લોકોને જરૂર છે તે જ સોનું ખરીદે છે અને જેના પાસે જૂનું
સોનુ છે, તેમાં થોડોક ઉમેરો કરી અને ફેરબદલ કરવામાં માને છે,
તેવા લોકો ખરીદી માટે આવે છે અને જેના પાસે બે તોલા સોનાની જરૂરિયાત
છે તે એક તોલો ખરીદી કરીને મન વાળી લે છે અને દિવાળી-ધનતેરસના દિવસોમાં 70થી 80 ટકા ખરીદી રહેશે એવો અંદાજ લાગી રહ્યો છે. આમ પણ માંડવીમાં દુકાન-પ્લોટ
વગેરેના ભાવ ઊંચા અને ધંધા મંદ એવી માંડવીની
તાસીર રહી છે.