• રવિવાર, 20 જુલાઈ, 2025

નવી પેઢી, નવા જમાનાને અનુરૂપ બદલાવ

સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-જન્મભૂમિ જૂથની મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની નીતિને વરેલાં કચ્છની અસ્મિતાના અંગભૂત અખબાર કચ્છમિત્રએ હંમેશાં જનઝંખનાનો પડઘો પાડયો છે. વીતેલાં વર્ષ પર નજર કરીએ તો બન્નીના માલધારીઓ સાથેની ગોઠડી હોય કે મુંદરા-માંડવીના નગરજનો સાથેનો સંવાદ હોય, હોટેલિયર્સ અને પ્રવાસન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયીઓ સાથેનું મંથન હોય, ભૂખી નદીને પુનર્જિવિત કરવાનો વ્યાયામ હોય, ગાંધીધામ સંકુલના વિકાસના ધોરીમાર્ગનો નકશો કંડારવાનો હોય કે જનપ્રતિનિધિઓ સાથે કચ્છની સમસ્યાઓ ચર્ચવાનો પ્રયાસ હોય, અબડાસાની ધરતી પરથી જળસંચય અને જળસંગ્રહ અભિયાનનો શુભારંભ હોય કે આધ્યાત્મિક કોન્ક્લેવ હોય, જાણીતા કવિ અંકિત ત્રિવેદી સાથેનો નવતર સાંસ્કૃતિક કાર્યક્રમ હોય... કચ્છમિત્રએ લોકોની સાથે રહી લોકો માટે ફળદાયી દાયિત્વ નિભાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. કચ્છીયતના પ્રહરી તરીકે નામના મેળવનાર કચ્છમિત્ર 79મા વર્ષમાં પ્રવેશ કરે છે તે અવસરે હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે ઝાઝેરાં અભિનંદન પાઠવું છું. કચ્છમિત્ર નિત્ય નવીન આયામો સર કરતું રહે છે. હવે તે ડિજિટલ માધ્યમમાં પણ સક્રિય થયું છે. નવી પેઢીના બદલાતા ટેસ્ટને અનુરૂપ કચ્છમિત્રપણ ડિજિટલ પ્લેટફોર્મ પર પાવરફૂલ હાજરી નોંધાવવા પ્રતિબદ્ધ છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ બની છે, ત્યારે કચ્છમિત્રએ જન્મદિવસના અવસરથી સોલાર રૂફટોપ યોજના અમલી કરીને ગ્રીન એનર્જી મારફત દેશના મિશનમાં યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. કચ્છમિત્રનો આ રીતનો મેકઓવર નૂતન જનમાનસને અનુરૂપ પણ છે. મહત્ત્વની અને ધ્યાન ખેંચનારી ઘટનાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર તરત જ મુકાતી રહે છે. પોડકાસ્ટ દ્વારા હરેક કચ્છી માડુ સુધી પહોંચવાનો અને તે દ્વારા સારપનો વિસ્તાર કરવાનો ઉદ્યમ આરંભ્યો છે. ટીમ કચ્છમિત્ર ઊર્જાવાન અને સક્ષમ છે, નવા શિખરો સર કરવાની તમન્ના પણ ધરાવે છે. ન્યૂઝ સાથે વ્યૂઝના આલેખન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આગામી વર્ષોમાં પણ કચ્છમિત્ર `પત્ર નહીં મિત્ર'ની ભૂમિકા ભજવતું રહેશે એવો કોલ આપીએ છીએ. 

Panchang

dd