જળ સંરક્ષણ કાર્યો દ્વારા કચ્છને નંદનવન બનાવવાની નેમ : જળસંચય ક્ષેત્રે બેનમૂન કહી શકાય એવા પ્રકલ્પમાં
ભારાપર (ધુફી) ખાતે ત્રિવેણી મહોત્સવ બહુ મોટાપાયા પર યોજાયો, જેમાં 6000 બોર રિચાર્જ કરવા અને કચ્છમાં
જળક્રાંતિ સર્જાય એવા તમામ નિષ્ઠાવંત પ્રયાસો આદરી કચ્છને હરિયાળું-નંદનવન બનાવવાનો
સંકલ્પ લેવાયો. કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી. આર. પાટિલ સહિતના મહાનુભાવોએ કચ્છ સમગ્ર
દેશને ભૂજળ સંરક્ષણ અને સંગ્રહ ક્ષેત્રે માર્ગદર્શક રાહ ચીંધે તેવું નેત્રદીપક કાર્ય
કરવાનો કોલ દોહરાવ્યો. - યુરોપમાં
ઇ-પ્રકાશનની પહેલ : વિદેશમાં યુરોપમાં વસતા ગુજરાતી સમુદાયને
વિશ્વાસપાત્ર અને સત્યનિષ્ઠ સમાચારો પ્રામાણિક અખબાર દ્વારા મળે તેવા હેતુસર સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના નેજા હેઠળ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી `ગુજરાતી એટલે ઉત્સવ' શીર્ષક હેઠળ કલ્ચરલ ઇવેન્ટ યોજવામાં આવી, જેમાં જાણીતા
વક્તા જય વસાવડાએ માતૃભાષા અને ગુજરાત બંનેનું ગૌરવગાન કર્યું. કાતિલ ઠંડીની પરવા કર્યા
વગર લોકોએ હાજર રહી સકારાત્મક પ્રતિસાદ પાઠવ્યો. - હાસ્ય અને
વ્યંગનો શબ્દ ઉત્સવ : ભરપૂર હાસ્ય, તીક્ષ્ણ વ્યંગ અને હાજરજવાબીપણાનો ત્રિવેણી
સંગમ ધરાવતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કુમાર વિશ્વાસ સાથેની ભુજના સ્મૃતિવન ખાતે
યોજાયેલી એક અનોખી સાંજે યાદગાર બની ગઇ હતી. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, જૈન સેવા સંગઠન અને કચ્છમિત્ર દ્વારા યોજાયેલા કવિ સંમેલનમાં ડો. કુમાર વિશ્વાસ
સહિત અન્ય પાંચ કવિ-કવયિત્રીએ સાંપ્રત સ્થિતિ પર વ્યંગાત્મક પ્રસ્તુતિ કરી હતી. કચ્છમાં
સ્માર્ટ ગર્લ્સ પ્રોજેક્ટ તેમજ યુવા પેઢી માટે સ્કિલ ડેવલપમેન્ટ અને જનસેવા કેન્દ્ર
ખુલ્લા મૂકવાની જાહેરાત પણ થઇ. - આરોગ્યની જોડતી કડીનું અભિવાદન
: કચ્છના દૂરસુદૂરના ગ્રામીણ વિસ્તારોને તંદુરસ્ત
રાખવામાં વર્ષોથી પ્રયત્નશીલ ભૂમિકા ભજવનાર આશાવર્કરોની પીઠ થાબડવા અને પ્રોત્સાહિત
કરવાના શુભ હેતુસર આયુષ હોસ્પિટલના સંગાથે કચ્છમિત્ર દ્વારા 900 જેટલા આશાવર્કરનું એકસાથે સન્માન
કરવામાં આવ્યું અને સરકાર, ગ્રામ્ય અને
સમાજ વચ્ચે એક કડીરૂપ સેતુ બનનારની પીઠ થાબડવામાં આવી. - કચ્છની `સ્માર્ટ ગર્લ્સ'ને આત્મનિર્ભરતા : આધુનિક સમયમાં વિકાસની પાંખે ઊડતી દીકરીઓને
કોઈ રાવણ કે દુ:શાસન વિવેકભંગ ન કરે અને આજની નારી વધારે સુદૃઢ બને તેવા વિચાર સાથે
`સ્માર્ટ ગર્લ્સ' પ્રોજેક્ટનો પ્રારંભ ભારતીય જૈન સંગઠન,
લેડીઝ વિંગ અને કચ્છમિત્ર દ્વારા કરાયો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની
દિશામાં મક્કમ પહેલનો પ્રારંભ થયો. : આટલી મહત્ત્વપૂર્ણ અને ફળદાયક ઘટનાઓનો વિશેષ ઉલ્લેખ કરવાની સાથે
કચ્છમિત્ર દ્વારા યુવા ક્રિકેટરો માટે યોજાતી એન્કર કપ કચ્છમિત્ર ક્રિકેટ ટ્રોફી કચ્છ
પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ, બિદડા સર્વોદય
ટ્રસ્ટ સાથેના આરોગ્ય પ્રકલ્પ, સમગ્ર કચ્છને નેત્રરોગ મુક્ત કરવાનું
અભિયાન `પ્રોજેક્ટ રોશની', આરોગ્ય જાગૃતિ સાથે સંકળાયેલા વોકાથોન,
સાઇક્લોથોન, ખેડૂતો માટે કૃષિ મેળો, વિવિધ ધર્મગુરુઓ સાથે યોજાયેલ ધાર્મિક ટોક-શો, ત્રણ વર્ષથી
યોજાતા નાટયોત્સવ, ભારતીય વિચારમંચ અને કચ્છ યુનિવર્સિટીના સહયોગથી
યોજાયેલું કચ્છ લોકમંથન, કચ્છના શિક્ષકોને સન્માનિત કરવાની પહેલ,
ભુજને હરિયાળું બનાવવાનું `િમશન ગ્રીન' અભિયાન, મુંબઈ ખાતે યોજાયેલ જૈન યૂથ ફોરમ અને કચ્છ યુવક
સંઘનો અનોખો લોકસંવાદ, બી.એન.આઈ. દ્વારા ગાંધીધામમાં આયોજિત બિઝનેસ
કોન્ક્લેવ ટોક-શો, મુંદરાના પ્રશ્નો પર જાહેર મંથન, વર્ધમાન પરિવાર અને ગ્લોબલ કચ્છ દ્વારા નેપિયર ઘાસ વાવેતરના પ્રોજેક્ટ,
એલએનએમ હોસ્પિટલ, માધાપર લાયન્સના સથવારે રક્તદાન
કેમ્પ તથા રક્તતુલા સહિતના અનેક પ્રોજેક્ટો કચ્છમિત્ર દ્વારા હાથ ધરાયા અને દૂરગામી
પરિણામો સાથે પૂર્ણ થયા તેનો પણ ઉલ્લેખ કરીએ છીએ.